માત્ર બે મહિનામાં બેંક ખાતામાં રૂ. ૨.૭૪ કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારો, ગુજરાત સહિત ૮ સાયબર ફરિયાદોનો ખુલાસો
(મિલાપ રૂપારેલ દ્વારા)
Amreli તા.૯ઃ
શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી ઓનલાઈન ઠગાઈ આચરનાર એક આરોપીને Amreli સીટી પોલીસે ઝડપી પાડી મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. આરોપીના બેંક ખાતાની તપાસ દરમિયાન માત્ર બે મહિનાના ટૂંકા ગાળામાં રૂ. ૨.૭૪ કરોડથી વધુના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો સામે આવતા સમગ્ર મામલો ગંભીર બન્યો છે.ભાવનગર રેન્જના આઈજીપી આર.વી. અસારીના માર્ગદર્શન અને અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતની સૂચના મુજબ જિલ્લામાં બનતા સાયબર ફ્રોડના ગુનાઓના આરોપીઓને ઝડપી શોધી કાઢવા માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરી દરમિયાન અમરેલી વિભાગના
નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈના માર્ગદર્શન હેઠળ અમરેલી સીટી પોલીસ સ્ટેશનની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં તા. ૬ જૂન, ૨૦૨૬ના રોજ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૧૮(૪) તેમજ આઈટી એક્ટની કલમ ૬૬ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ફરિયાદી પાસેથી શેરબજારમાં રોકાણ કરવાથી ઊંચું વળતર મળશે તેવી લાલચ આપી આરોપીઓએ વિવિધ આઈડી મારફતે કુલ રૂ. ૬૯,૪૪૧ની રકમ મેળવી ઠગાઈ આચરી હતી.તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ઠગાઈની રકમમાંથી રૂ. ૩૦,૦૦૦ એક ચોક્કસ આઈડીમાં જમા થયા હતા. આ માહિતીના આધારે પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ આગળ ધપાવી હતી.
આરોપીના બેંક ખાતાની વિગતો ચકાસતા ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાં નોંધાયેલી કુલ ૮ સાયબર ફ્રોડ ફરિયાદો સાથે તેનું કનેક્શન હોવાનું સામે આવ્યું હતું. વધુ તપાસમાં આરોપીના ખાતામાં માત્ર બે મહિનાના ગાળામાં રૂ. ૨,૭૪,૪૦,૧૯૭ના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થયા હોવાનું બહાર આવ્યું છે.પોલીસ હાલ આ નાણાકીય વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને અન્ય સંડોવાયેલા શખ્સો સુધી પહોંચવા માટે કાર્યવાહી ચાલુ રાખી છે.
પોલીસે આ ગુનામાં સંડોવાયેલા નીચેના આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહેનરજી મફાજી ઠાકોર (ઉ.વ. ૪૨) રહે. ખોડીયારનગર, ઠાકોરવાસ, વરાણા ગામ, તા. સમી, જી. પાટણ ધંધો મજૂરી કામ ટેકિન્કલ અને હ્યુમન સોર્સના આધારે કાર્યવાહી અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એમ. ઝાલાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે ટેકિન્કલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીને શોધી કાઢી ઝડપી પાડ્યો હતો. સમગ્ર પ્રકરણમાં અન્ય કોઈ વ્યક્તિઓની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ આગળ વધી રહી છે.

