Bharuch,તા.૨૭
એટીએમ મશીનની કનેક્ટીવિટીમાં સમસ્યા સર્જી અલગ-અલગ ૨૨ ટ્રાન્ઝેક્શન કરી અજાણ્યા શખ્સોએ ૨.૦૯ લાખની ઠગાઈ કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભરૂચ એ ડિવિજન પોલીસે ઘટનામાં ફરિયાદ નોંધી બેન્કના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.
ભરૂચ શહેરના આર. કે. કાસ્ટા ખાતે રહેતાં અક્ષય વૈધરાજ સોની શહેરના સ્ટેશન રોડ પર આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની પાંચબત્તી શાખામાં ચીફ મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેમની શાખામાં બેન્કનું એટીએમ પણ આવેલું છે. જેમાં એક કેશ ડિપોઝીટ મશીન પણ મુકવામાં આવ્યું છે. જેમાં કોઈ પણ તેમાં રૂપિયા જમા કરાવી શકે અને ઉપાડી શકે છે.
ગત ૨૦મી સપ્ટેમ્બરે જિલ્લાની તમામ એસબીઆઈ બેન્કમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં તપાસ વેળા તેમના કેશ ડિપોઝીટ મશીનમાં બેલેન્સ તપાસતાં તેમાં ૨.૦૯ લાખ રૂપિયા ઓછા જણાયા હતા. જેથી તેમણે તેમના મશીનનું સ્ટેટમેન્ટ કાઢી તેમાં ચકાસણી કરતાં ૧૦મી સપ્ટેમ્બરથી ૧૮મી સપ્ટેમ્બર સુધીના ગાળામાં અલગ અલગ તારીખ અને સમયે ૨૨ ટ્રાન્ઝેક્શન સસ્પેક્ટેડ રિવર્સલની એન્ટી જણાઈ હતી. જેમાં ગણતરી કરતાં તેમાં કુલ ૨.૦૯ રૂપિયાનો જ આંકડો આવ્યો હતો. જેથી કોઈએ તેમના કેશ ડિપોઝીટ મશીન (એટીએમ)ને હેક કરીને કે અન્ય કોઈ રીતે રૂપિયા કાઢી લઈ ઠગાઈ કરી હોવાનું જાણવા મળ્યું હતું.
એટીએમના સીસીટીવી ફૂટેજ તપાસતાં અજાણ્યા શખ્સોએ એટીએમ સાથે છેડછાડ કરી એટીએમમાંથી રૂપિયા કાઢી લઈ ઠગાઈ કરી હોવાનું માલુમ પડયું હતું. બનાવને પગલે તેમણે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

