Ahmedabad,તા.14
ગાંધીનગર જિલ્લાના બહિયલ ગામમાં થોડા સમય અગાઉ થયેલા કોમી તોફાનોના ગંભીર કેસમાં પકડાયેલા બે આરોપી-મોહમ્મદ આદિલ કુરેશી અને અહમદ હસન કુરેશી-દ્વારા દાખલ કરાયેલી રેગ્યુલર જામીન અરજીને ગુજરાત હાઇકોર્ટે સ્પષ્ટપણે ફગાવી દીધી હતી.
જસ્ટિસ નિખિલ એસ. કેરીયાની અદાલતે સુનાવણી દરમિયાન સાફ શબ્દોમાં જણાવ્યું કે, આ પરિસ્થિતિમાં આરોપીઓને જામીન આપી શકાય તેમ નથી. અદાલતનું કડક વલણ જોતા બંને આરોપીઓને તેમની અરજી પાછી ખેંચવી પડી હતી.
બહિયલ ગામમાં એક વ્યક્તિએ પોતાના સોશિયલ મીડિયા સ્ટેટસમાં `આઈ લવ મહાદેવ’ લખતાં લઘુમતી સમુદાયના કેટલાક લોકોમાં ઉશ્કેરાટ ફેલાયો હતો. આ મુદ્દાને આધારે `આઈ લવ મોહમ્મદ’ના નામે અભિયાન શરૂ કરવામાં આવ્યું અને તણાવ વધીને હિંસામાં ફેરવાયો. ટોળાએ ગામના ચોકમાં ભેગા થઈ દુકાનો અને વાહનોમાં તોડફોડ કરી હતી તેમજ આગચંપી કરી હતી. બહુમતી સમુદાયના અનેક લોકોને ગંભીર ઈજા પહોંચી હતી.
ઘટનાસ્થળે પોલીસ પહોંચતા જ ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો અને પોલીસના વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. અહીં સુધી કે આગ બુઝાવવા આવેલા ફાયર ફાઇટરોની ગાડીઓને પણ રોકવાનો અને અવરોધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ રાયોટીંગના સંવેદનશીલ કેસમાં બંને આરોપી સહિત અનેક લોકોને પોલીસએ કાવતરામાં સંડોવણીના આરોપસર ઝડપી પાડ્યા હતા. જામીન અરજીની સુનાવણી દરમિયાન સરકારપક્ષે અદાલતને સમજાવી જણાવ્યું કે આરોપીઓએ એકબીજાની મદદથી સમગ્ર ગામમાં અશાંતિ ફેલાવવા કાવતં રચ્યું હતું. ખાનગી અને સરકારી મિલકતોને ભારે નુકસાન પહોંચાડ્યું હતું, જેનાથી કુલ લગભગ પોણા કરોડનું આર્થિક નુકસાન થયું હતું.
સરકારપક્ષે દલીલ કરી હતી કે, આરોપીઓને જામીન મળવાથી ગામમાં ફરી તણાવની સ્થિતિ સર્જાઈ શકે છે અને શાંતિ વ્યવસ્થા જોખમમાં મુકાઈ શકે છે. સરકારપક્ષની રજૂઆતને માન્ય રાખતાં હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું કે આવા કેસમાં જામીન માટે કોઈ પણ રીતે છૂટછાટ આપી શકાશે નહીં.
અદાલતના આ કડક અભિગમ બાદ મોહમ્મદ આદિલ અને અહમદ હસન કુરેશી પોતે જ તેમની જામીન અરજી પાછી ખેંચવા મજબૂર બન્યા હતા.

