New Delhiતા.2
કેન્દ્ર સરકારે આઠમા વેતનપંચને એકાદ મહિના પુર્વે નોટીફાઈ કરી જ દીધુ હતુ. આ મુદો સંસદમાં ઉઠતા સરકાર દ્વારા એવી ચોખવટ કરવામાં આવી છે કે બેઝીક પે (મુળ પગાર) સાથે મોંઘવારી ભથ્થાને મર્જ કરવાની કોઈ દરખાસ્ત કે વિચારણા નથી.
સંસદમાં સાંસદ આનંદ ભદુરીયા દ્વારા અનસ્ટાર્ડ સવાલ પુછવામાં આવ્યો હતો. આઠમા વેતનપંચને નોટીફાઈ કરાયુ છે કે કેમ અને મોંઘવારીનો પડકાર ઝેલતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થાને બેઝીક પે સાથે ખર્ચ કરવામાં આવશે કે કેમ?
આ સવાલના જવાબમાં નાણામંત્રાલય દ્વારા એમ કહેવામાં આવ્યુ હતું કે વેતનપંચનુ નોટીફીકેશન ગત 3 નવેમ્બરે જ જારી કરી દેવામાં આવ્યુ હતું જયારે મોંઘવારી ભથ્થા અને બેઝીક પે ને મર્જ કરવાની કોઈ દરખાસ્ત નથી.
નાણાં ખાતાના રાજયમંત્રી પંકજ ચૌધરીએ લેખિત જવાબમાં સ્પષ્ટ કર્યુ હતું કે સરકાર વર્તમાન પદ્ધતિ જ ચાલુ રાખશે. મોંઘવારી આધારે દર છ મહિને મોંઘવારી ભથ્થાની સમીક્ષા કરવાની વર્તમાન સીસ્ટમ છે.
વેતનપંચની જાહેરાત બાદ કર્મચારી તથા પેન્શનર યુનીયનો દ્વારા કેટલાંક અસ્પષ્ટ સવાલો વિશે સરકાર પાસેથી ચોખવટ માંગવામાં આવી રહી હતી. 7મા વેતનપંચમાં પેન્શનર વિશે ખાસ ચોખવટ હતી પરંતુ આઠમા વેતનપંચમાં તેનો ઉલ્લેખ નથી.
આ જ રીતે ન્યુ વેતનપંચ કયારથી લાગુ થશે તેની સ્પષ્ટતા કરવામાં આવી નથી. જેનાથી કર્મચારીઓને નિવૃતિનું આયોજન કરવામાં મુશ્કેલી થાય છે. યુનિયન દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે વેતન રીવીઝનના સિદ્ધાંત, ન્યુનતમ પગાર ગણતરીની ફોર્મ્યુલા જેવા મુદ્દાઓની અવગણના છે.
યુનિયનનો એવો પણ આક્ષેપ છે કે નોટીફીકેશનમાં ભાષા-વાકયોનો ખેલ પડાયો છે. જેના આધારે પગાર-પેન્શન માળખા તથા ભથ્થાને અસર થઈ શકે છે. વેતનપંચના નિર્ણય 50 લાખ કર્મચારીઓ તથા 65 લાખ કર્મચારીઓના હિતોને અસર કરી શકે છે. ફીટમેન્ટ ફેકટર 1.83-2.46ના સંજોગોમાં ન્યુનતમ પગાર 18000 થી વધીને 32940-44280 થઈ શકે છે.

