Bihar તા.૧૨
બિહાર વિધાનસભા ચૂંટણીના બંને તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું છે. હવે પરિણામો પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. નીતિશકુમારની સરકાર રહેશે કે પછી સત્તા પરિવર્તન થશે અને મહાગઠબંધન આવશે તેની અટકળો થઈ રહી છે. મોટાભાગના એક્ઝિટ પોલના પરિણામોમાં એનડીએની સરકાર બનતી જોવા મળી રહી છે પરંતુ તેનાથી ઉલટું ફલૌદી સટ્ટા બજારના આંકડાએ બધાને આશ્ચર્યચકિત કર્યા છે.
ફલૌદી સટ્ટા બજારનો માર્કેટ રેટ એક્ઝિટ પોલથી અલગ જ બીજી એક નવી કહાની દેખાડે છે. સટ્ટા બજાર મુજબ બિહારમાં એનડીએ અને મહાગઠબંધન વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી શકે છે. એટલું જ નહીં તેજસ્વી યાદવની રાષ્ટ્રીય જનતા દળ પાર્ટી ભાજપ અને નીતિશકુમારની જેડીયુને પાછળ છોડીને સૌથી મોટી પાર્ટી પણ બની શકે છે. ફલૌદીના સટ્ટા બજારની ભવિષ્યવાણીઓ માનીએ તો બિહારમાં એનડીએ અને મહાગઠબંધન બંને માટે સંભાવનાઓના દરવાજા હજુ પણ ખુલ્લા છે.
ફલૌદી સટ્ટા બજારના માર્કેટ રેટ મુજબ બિહારમાં એનડીએને ૧૦૫ થી ૧૩૫ સીટો મળી શકે છે. એ જ રીતે મહાગઠબંધનને ૯૭ થી ૧૨૭ સીટો મળી શકે છે. એ જ રીતે અન્યને ત્રણથી આઠ સીટો મળી શકે છે. પ્રશાંત કિશોરની જન સુરાજ પાર્ટીને લઈને ફલૌદીનું સટ્ટા બજાર જરાય ઉત્સાહિત નથી. પ્રશાંત કિશોરની પાર્ટી માટે ખાતું ખુલવું કોઈ ઉપલબ્ધિથી કમ નહીં હોય. ઓવૈસીની પાર્ટીની સામે પણ ગત રેકોર્ડ દોહરાવવો મોટો પડકાર હશે.
ફલૌદીના સટ્ટા બજાર મુજબ બિહારમાં હજુ નીતિશકુમાર અને તેજસ્વી યાદવ બંને માટે સંભાવનાઓના દરવાજા ખુલ્લા છે. અહીં એનડીએ અને મહાગઠબંધનમાંથી કોઈની પણ સરકાર બની શકે છે. જો કે એનડીએની સરકાર બનવા અંગે ૫૪ ટકા લોકો દાવ લગાવી રહ્યા છે. જ્યારે તેજસ્વી યાદવના મહાગઠબંધન પર ૪૬ ટકા લોકો.
ફલૌદી સટ્ટા બજારમાં લાગેલા દાવ મુજબ તેજસ્વી યાદવની રાષ્ટ્રીય જનતા દળ પાર્ટી બિહારમાં સૌથી મોટી પાર્ટી બનીને ઊભરી શકે છે. તેજસ્વી યાદવની આરજેડી ઓછામાં ઓછી ૭૫ સીટો જીતીને સૌથી મોટી પાર્ટી બની શકે છે. ભાજપ તેનાથી થોડી ઓછી સીટો મેળવીને બીજા નંબરે આવી શકે અને નીતિશ કુમારની જેડીયુ ૫૫થી ૬૦ સીટો આસપાસ મેળવીને ત્રીજા નંબરની પાર્ટી બની શકે છે. મહાગઠબંધન માટે કોંગ્રેસ નબળી કડી સાબિત થઈ શકે છે. કોંગ્રેસ પાર્ટી બે ડઝન સીટો મેળવે એવી પણ ફલૌદી સટ્ટા બજાર શક્યતા વ્યક્ત કરતું નથી.
સટ્ટા બજાર મુજબ એનડીએને બહુમત મળે તો પણ નીતિશુમાર સીએમ બને એ નક્કી નહીં હોય. એનડીએને બહુમત મળે તો નીતિશકુમારની સીએમ બનવાની શક્યતા ફક્ત ૬૦ ટકા રહેશે. ભાજપના સીએમ બનવાની સંભાવના પણ ૨૦થી ૨૫ ટકા હશે. મહાગઠબંધનને બહુમત મળે તો તેજસ્વી યાદવ મુખ્યમંત્રી બને તેવા ૯૭ ટકાથી વધુ ચાન્સ છે.
હવે જોવાનું એ રહેશે કે બિહાર ચૂંટણીના પરિણામોને લઈને એક્ઝિટ પોલ સાચા પડે છે કે પછી ફલૌદી સટ્ટા બજારનો ઈતિહાસ કાયમ રહે છે. અત્રે જણાવવાનું કે ફલૌદી રાજસ્થાનનું એક એવો કસ્બો છે જ્યાનું સટ્ટા બજાર આખા વિશ્વમાં ચર્ચિત છે. અહીંનું સટ્ટા બજાર ચૂંટણી અને ખેલોના પરિણાોને લઈને સટીક અનુમાન કરવા માટે જાણીતું છે. આ દાવાઓનું સમર્થન અમે કરતાં નથી. પરિણામ અલગ પણ હોઈ શકે છે. સટ્ટાબાજીના બજારને કોઈપણ રીતે પ્રોત્સાહિત કરવાનો અમારો કોઈ જ હેતુ નથી.

