New Delhi, તા.26
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, મકાન, દુકાન કે ભૂખંડનો કબજો આપવામાં મોડુ કરનાર બિલ્ડરે એ દરથી નુકસાનીનું વ્યાજ આપવું પડશે, જે દરે તે પેમેન્ટ કરવામાં મોડું કરનાર ખરીદનારાઓ પાસેથી દંડ વસુલે છે. કેસમાં કોર્ટે પ્લોટનો કબ્જો આપવામાં મોડુ કરવા બદલ વ્યાજ દર 9 ટકાને બદલે વધારીને 18 ટકા કરી દીધો છે.
જસ્ટીસ દીપાંકર દત્તા અને ઓગસ્ટીન જયોર્જ મસીહની બેન્ચે નિર્ણય સંભળાવતા કહ્યું હતું કે, જે બિલ્ડર પેમેન્ટમાં વિલંબ કરવા પર ખરીદનારાઓ પાસેથી 18 ટકા વ્યાજ વસુલે છે. તે ગ્રાહકને સમયસર કબજો નહીં આપવાથી બચી નથી શકતો.
બેન્ચે રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ આયોગ (એનસીડીઆરસી)ના એ નિર્ણય પર અસહમતી બતાવી, જેમાં ભૂખંડનો કબજો દેવામાં મોડું કરવા પર માત્ર 9 ટકાના હિસાબે વ્યાજ આપવાનો આદેશ કરવામાં આવ્યો હતો.
બેન્ચે 9 ટકા વ્યાજ દરને અપુરતો બતાવ્યો હતો. સુપ્રીમકોર્ટે મેસર્સ બિઝનેસ પાર્ક ટાઉન પ્લાનર્સ લિમિટેડને નિર્દેશ આપ્યો છે કે તે ખરીદનાર પાસેથી વસુલ કરાયેલી મૂળ રકમ 18 ટકા વ્યાજ સાથે પરત કરે.
પ્લોટ પર 12 વર્ષ સુધી કબજો નહોતો મળ્યોઃ આ મામલામાં વર્ષ 2006માં રજનીશ શર્માએ બિલ્ડરની હરિયાણામાં આવેલ પાર્ક લેન્ડ યોજનામાં રૂા.36.03 લાખમાં એક પ્લોટ બુક કરાવ્યો હતો.
તેમણે 2011 સુધીમાં રૂા.28 લાખનું પેમેન્ટ કરી દીધું હતું. પરંતુ, પ્લોટનો કબજો નહોતો આપ્યો, તેના બદલે બિલ્ડરે તેને એક વૈકલ્પિક પ્લોટ આપવાની ઓફર કરી હતી, જેના માટે વધારાની રકમ પણ લેવામાં આવી.
જયારે મે 2018 સુધી કબજો ન આપ્યો તો તેણે વ્યાજ સહિત મૂળ રકમ પરત આપવા ગ્રાહક પંચમાં ફરિયાદ કરી પરંતુ એનસીડીઆરસીએ 9 ટકા વ્યાજ સાથે રકમ પરત કરવાનું કહ્યું. જેની સામે તેમણે સુપ્રીમકોર્ટમાં અપીલ કરી હતી.

