ઘરેણાં બનાવવા માટે ફાઈન ચાંદી લઇ ગયા બાદ નલિન પાટડીયાએ બીજે વાપરી માર્યું
Rajkot,તા.09
શહેરના વધુ એક સોની વેપારી ઠગાઈનો ભોગ બન્યા છે. દાગીના બનાવવા માટે આપેલી ૬૦૨૦.૩૧૦ ગ્રામ ચાંદી ઓળવી જનાર નલિન અમરશીભાઈ પાટડીયા વિરુદ્ધ વેપારીએ એ ડિવિઝન પોલીસમાં રૂ. 6 લાખની ઠગાઈનો ગુનો નોંધાવ્યો હતો.
મામલામાં યુનિવર્સીટી રોડ લર આયુર્વેદિક હોસ્પિટલની પાછળ આઇકોન પ્લેટીનિયમમાં રહેતા 27 વર્ષીય સોની વેપારી તેજશભાઇ સુરેશભાઈ રાણપરાએ એ ડિવિઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું ભગવાનની મુર્તિના વાઘા કરવા માટેનો ઓર્ડર તા. ૧૫/૧/૨૦૨૫ ના રોજ મળેલ હતો. સ્વામિનારાયણ ભગવાનની આરસની મુર્તિ પણ આપેલ હતી. જે કામ તા. ૧૫/૦૧/૨૦૨૫ ના રોજ ચાંદીના ઘરેણા બનાવવાનુ કામ કરતા નલીનભાઈ અમરશી પાટડીયા (રહે. ગીરીરાજ એપાર્ટમેન્ટ, બ્લોક નંબર ૨૦૨, ગુંદાવાડી, રાજકોટ)ને સ્વામિનારાયણ ભગવાનની મુર્તિ તથા ૪૮૯૩.૫૦૦ ગ્રામ ચાંદી સાથે ૧ મહિનામાં કામ પૂરુ કરવા માટે અમારી ઓફીસે બોલાવીને આપેલ હતું. આ કામની મજુરીના રૂપિયા પેટે નલિનભાઈ પાટડીયા તા. ૩૦/૪/૨૦૨૨ થી તા. ૬/૫/૨૦૨૨ દરમ્યાન અમારી પાસેથી ૧૧૨૬.૮૧૦ ગ્રામ ફાઇન ચાંદી લઇ ગયેલ જે અમારે પરત લેવાનુ બાકી હોય તે ૧૧૨૬.૮૧૦ ગ્રામ ચાંદીના રૂપિયા મજુરીકામમા વાળવા અંગે લખાણ કરાવેલ હતું. જે કામ આરોપીએ આજ દિન સુધી પુરૂ કરી આપેલ ન હતુ અને ચાંદીના વાઘા તથા સ્વામિનાયરાણ ભગવાનની મુર્તિ પણ આપતા ન હતાં. જેથી અમોએ નલીનભાઈ પાસે અવાર નવાર સોંપેલ ઉઘરાણી કરતા પોતે જે ચાંદી કામ કરવા માટે આપેલ હતુ તે બીજા કામમા વાપરી નાખેલ છે અને તેની પાસે હાલ કોઇ ચાંદી નથી, નવુ કોઈ કામ આવશે તો જે ચાંદી આવશે અને તેમાંથી વાઘા બનાવી આપશે અથવા તો ચાંદી પરત આપી દેવાનુ જણાવતા હતાં.
બાદમાં અમારા કામનુ ચાંદી તથા અગાઉ અમારે લેવાની નીકળતી ચાંદીની માંગણી કરતા તેઓ એક મહિનામા આપી દેવાની વાત કરતા હતાં પરંતુ આજ દિન સુધી ફાઇન ચાંદી આપેલ નથી. વધુમાં અવાર નવાર સ્વામીનારાયણ ભગવાનની મુર્તિ તથા ચાંદીના વાઘા બનાવવા બાબતે આપેલ ચાંદીની માંગણી કરતા પોતાના પુત્રો પાસેથી પૈસા લઇ આપી દેશે તેવી વાત કરી હતી. બાદમાં સ્વામિનારાયણ ભગવાનની મુર્તિ પરત આપી દીધી હોય પણ ચાંદી પરત આપતાં ન હોય અંતે વેપારીએ ૬૦૨૦.૩૧૦ ગ્રામ ચાંદી જેની કિંમત રૂ.૬ લાખની ઠગાઈનો ગુનો એ ડિવિઝન પોલીસમાં નોંધાવ્યો હતો.