New Delhi,તા.18
કરદાતાઓને રાહત આપવા માટે કેન્દ્રીય સીધા કરવેરા બોર્ડે કેટલાંક નિયમો બદલાવ્યા છે અને તેથી ટીડીએસ તથા ટીસીએસ રીફંડ કલેમ કરવામાં સરળતા રહેશે. આ સુધારાથી હવે સગીરોનાં ટીસીએસ દાવા પણ વાલી કરી શકશે.
નાણા મંત્રાલય દ્વારા જાહેર કરાયુ છે કે, આવકવેરા કાયદા 1961 ની કલમ 192 ની પેટા કલમ 291 માં સુધારો કરવામાં આવ્યો છે જેનાં પગલે પગારદાર કર્મચારીઓના કરકપાત માટે કોઈપણ ટીડીએસ – ટીસીએસને ચેપ્ટર xvii-B અથવા ચેપ્ટર xvii-BB માં સામેલ કરી શકાશે.
કેન્દ્રીય સીધા કરવેરા બોર્ડ દ્વારા સુધારાનો પરિપત્ર ઈસ્યુ કરવા સાથે ફોર્મ 12 બીએએ પણ જારી કરી દેવામાં આવ્યું છે. કર્મચારીઓએ માહીતી કંપની માલીકને આપવાની રહેશે જે કલમ 192 હેઠળ પેમેન્ટ માટે જવાબદાર હોય છે. આ માહીતીનાં આધારે માલીક કર્મચારીઓનાં ટીડીએસની કપાત કરશે.
આ સિવાય કોઈ ખાસ ખર્ચ માટે ચુકવાયેલા ટેકસનાં ટીસીએસનાં ક્રેડીટ ખર્ચ કરનાર વ્યકિતને બદલે બીજી વ્યકિતને કલેમની છુટ આપતો બદલાવ પણ કરવામાં આવ્યો છે. સગીરનાં કિસ્સામાં વાલી ક્રેડીટ કલેમ કરી શકશે. આ સુધારાથી કરદાતાઓનાં કરબોજમાં ઘટાડો તથા સરળતા શકય બનશે.