Rajkot તા.12
મ્યુનિ. કોર્પોરેશનનો સ્થાપના દિન તા. 19 નવેમ્બરના રોજ છે ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે નવા કોમ્યુનિટી હોલ સહિતના કામોના લોકાર્પણ, અનેક ખાતમુહૂર્તો સહિત 550 કરોડના વિકાસ કામોની ભેંટનો કાર્યક્રમ ફાઇનલ થઇ ગયો છે. કલેકટર મારફત મનપાએ સરકારને તમામ વિકાસ કામોની યાદી મોકલતા ત્યાંથી સંમતિ આવી ગયાનું જાહેર થયું છે. જોકે સત્તાવાર કાર્યક્રમ હવે આવશે.
કોર્પો. દ્વારા શહેરના ત્રણેય ઝોનમાં કોમ્યુનિટી હોલ બનાવવામાં આવ્યા છે. બે વર્ષ પહેલા નાણાવટી ચોક પાસે સંતોષ પાર્ક મેઇન રોડ ઉપર અદ્યતન કોમ્યુનિટી હોલનુ નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યુ હતું.
જે હવે પૂર્ણ થઇ જતાં આ કોમ્યુનિટી હોલનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરવા માટેની તૈયારીઓ આરંભી છે. જેનાથી શહેરીજનોને 150 ફૂટ રીંગ રોડ પર વધુ એક આદ્યુનીક કોમ્યુનિટી હોલની ભેટ મળશે. સાથે જ આવાસ યોજનાનો ડ્રો કરવામાં આવશે.
મુખ્યમંત્રીના હસ્તે અલગ-અલગ 550 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. તા.19ના સાંજે 5.30 કલાક આસપાસ આ કાર્યક્રમ યોજાવાનો છે. જોકે સભા સહિતની કોઇ વિગતો હજુ ફાઇનલ થઇ નથી. સંતોષપાર્ક મેઇન રોડ પર બનેલા હોલના લોકાર્પણ સહિતના કાર્યક્રમોમાં મુખ્યમંત્રી ભાગ લેશે.
સ્થાપના દિને તંત્ર દ્વારા શહેરીજનોને નવા પ્રોજેકટોની ભેટ આપવા મુખ્યમંત્રીએ કોર્પોરેશનના આમંત્રણનો સ્વીકાર કરતા લોકાર્પણ અને ખાતમુહૂર્તના કામોની યાદી તૈયાર કરવામાં આવી છે. તમામ ખાતમુહૂર્ત અને લોકાર્પણની યાદી બનાવી લેવામાં આવી છે.
અંતિમ મંજૂરી અને સત્તાવાર કાર્યક્રમની હજુ કલેકટર અને કોર્પો. તંત્ર રાહ જોઇ રહ્યા છે. આ દિવસ રેસકોર્સ મેદાનમાં રાત્રે બોલીવુડ સંગીત સંધ્યાનું પણ આયોજન કરાયું છે. જોકે તેમાં મુખ્યમંત્રી હાજર નહીં રહે. રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી જીતુભાઇ વાઘાણીના હસ્તે આ કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવશે.

