Bhavnagar તા.9
ભાવનગરની વિવાદિત મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. તળાજા તાલુકાના બોરડા ગામના પૂર્વ સરપંચ રાજુ ભમ્મરે મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા સામે લાખો રૂપિયાનો તોડ કરી, કીર્તિ પટેલે ફોન પર ધમકી આપી હોવાના ગંભીર આક્ષેપો સાથે દાઠા પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે.
મળતી માહિતી મુજબ પૂર્વ સરપંચ રાજુ ભમ્મર સોશિયલ મીડિયાના માધ્યમથી મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાના પરિચયમાં આવ્યા હતા.
આ પરિચય બાદ ખોટી રીતે તેમની સાથેના ’લીવ ઈન’ના કાગળો કરાવી લેવામાં આવ્યા હતા. છેલ્લા આશરે દોઢેક વર્ષના સમયગાળામાં રાજુ ભમ્મર પાસેથી ખૂબ મોટી રકમમાં રોકડા નાણાં તેમજ મોંઘી વસ્તુઓ પાછળ ખર્ચ કરાવી મોટી રકમનો તોડ કરવામાં આવ્યો હતો.આ દરમિયાન ગત તારીખ 5-6ના રોજ કીર્તિ પટેલે રાજુ ભમ્મરને ફોન કર્યો હતો અને નયના બારૈયાનું ઉપરાણું લઈ ધમકી આપી હતી.
કીર્તિ પટેલે ફોન પર મોટી રકમનો તોડ કરવાનું જણાવ્યું હતું અને બાદમાં તેની વાત ન માનતા સોશિયલ મીડિયામાં રાજુ ભમ્મરના પરિવારને બદનામ કરતો વિડિયો પણ શેર કર્યો હતો.આ બંને વ્યક્તિઓ મળીને રાજુ ભમ્મરને કાયદાની ચુંગાલમાં ફસાવી દે તેવી શક્યતા જણાતા, આખરે પૂર્વ સરપંચે દાઠા પોલીસમાં નયના બારૈયા અને કીર્તિ પટેલ સામે અરજી દાખલ કરી છે.
આ સાથે જ અરજીમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જો આ મામલે ભવિષ્યમાં ફરિયાદ કરવાની થશે તો સુરતના પુણા ગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવશે.

