Mumbai,તા.12
દિલ્હીમાં સોમવારે (10મી નવેમ્બર) સાંજે લાલ કિલ્લા નજીક થયેલા કાર બોમ્બ વિસ્ફોટથી ક્રિકેટ જગત સ્તબ્ધ થઈ ગયું હતું. લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક એક કારમાં વિસ્ફોટ થયો હતો,જેમાં 10થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે, અને 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. સમગ્ર દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ ઘટનાને લઈને ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને અન્ય ઘણાં ક્રિકેટરોએ આ દુ:ખદ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.
ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર આ ઘટના પર પ્રતિક્રિયા આપનારા પહેલા ક્રિકેટરોમાંના એક હતા. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, ‘દિલ્હી વિસ્ફોટમાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે મારી સંવેદના. ભગવાન મૃત્યુ પામેલા લોકોના પરિવારોને શક્તિ આપે અને ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરું છું.’અહેવાલો અનુસાર, દિલ્હીમાં લાલ કિલ્લા નજીક થયેલા કાર બોમ્બ વિસ્ફોટની તપાસ હવે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) કરશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ નિર્ણય લીધો છે અને તપાસ NIAને સોંપી દીધી છે. મંગળવારે (11મી નવેમ્બર) કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી જેમાં વિસ્ફોટની તપાસ NIA પાસે કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

