Ahmedabad,તા.14
ગુજરાતમાં 2027માં વિધાનસભા ચૂંટણી યોજાશે, પરંતુ આ ચૂંટણી કોંગ્રેસ પાર્ટીની સાથે રાહુલ ગાંધીના નેતૃત્વની પરીક્ષા હશે, કારણકે રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપને ગુજરાતમાં હરાવવાનો પડકાર ફેંક્યો હતો.
હવે કોંગ્રેસે રાહુલ ગાંધીના ખાસ ગણાતા શ્રીનિવાસ બી વીને ગુજરાતની જવાબદારી સોંપી હતી. કોરોના દરમિયાન તેણે લોકોની ખૂબ મદદ કરી હતી અને `ઓક્સિજન મેન’ તરીકેનો ખિતાબ હાંસલ કર્યો હતો, જ્યારે કોંગ્રેસ પાર્ટીમાં સૌથી વિશ્વાસુ નેતા તરીકે પણ ગણતરી કરવામાં આવે છે.
શ્રીનિવાસ બી વીને ગુજરાત કોંગ્રેસના નવા સહ પ્રભારી બનાવાયા છે. રાજ્યના પ્રભારી મુકુલ વાસનિક છે. શ્રીનિવાસ બી વીની નિમણૂક બાદ રાહુલ ગાંધી ફરીથી તેમનું `મિશન ગુજરાત’ વેગીલું બનાવશે તેવી ચર્ચા શરૂ થઈ છે.
ગુજરાતમાં કોંગ્રેસની પ્રતિષ્ઠા દાવ પર લાગેલી છે ત્યારે યુવા મોરચાના ભૂતપૂર્વ પ્રમુખ રહી ચૂકેલા શ્રીનિવાસ બીવી સહ-પ્રભારી તરીકે ગુજરાતમાં કેટલો કમાલ કરી શકે છે તે જોવું રહેશે. રાજકીય વર્તુળોમાં એવી માન્યતા છે કે કોંગ્રેસને `આપ’ને મળી રહેલી પ્રસિદ્ધિ અને ચર્ચાને કારણે ચિંતા છે. ગુજરાત પહેલાં 2027માં પંજાબમાં પણ ચૂંટણી યોજાવાની છે. આ સંજોગોમાં પાર્ટીએ ખૂબ જ વિચારીને શ્રીનિવાસ બીવીને ગુજરાતના મોરચે જવાબદારી સોંપી છે.
લોકસભામાં વિપક્ષના નેતાની ખુરશી સંભાળ્યા બાદ રાહુલ ગાંધીએ ભાજપને ગુજરાતમાં હરાવવાનો પડકાર ફેંક્યો હતો. આવી સ્થિતિમાં ગુજરાતમાં ભલે હજી ચૂંટણી દૂર હોય, પરંતુ આ મુદ્દાને ઘણો મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે.
ગુજરાતમાં ગયા મહિને ભાજપ પ્રધાનમંડળમાં ફેરફાર કર્યો હતો, પરંતુ કોંગ્રેસ એવો દાવો કરી શકી નહોતી કે સરકારે એન્ટી-ઈન્કમ્બન્સીને કારણે આવું કરવું પડ્યું હતું. ગુજરાતમાં તૈનાત રહેલાં ઊષા નાયડુને મધ્ય પ્રદેશ મોકલવામાં આવ્યા છે.
ગુજરાતમાં ગત ચૂંટણીમાં કોંગ્રેસ 17 બેઠક પર સમેટાઈ ગઈ હતી. હાલ પાર્ટીના ધારાસભ્યોની સંખ્યા ઘટીને માત્ર 12 રહી ગઈ છે, કારણ કે પાંચ ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. બીજી તરફ, `આપ’ પાસે પાંચ ધારાસભ્યો હતા, જેમાંથી એકને પાર્ટીએ સસ્પેન્ડ કર્યો છે, તેથી તેમની પાસે હવે 4 ધારાસભ્યો છે. 182 સભ્યોની વિધાનસભામાં ભાજપના 161 ધારાસભ્ય છે.

