Mangrol,
હાલ વાર્ષિક ધોરણે અપાતી કામગીરી માટે સંબંધિત કોન્ટ્રાક્ટ તમામ વહીવટી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ છેલ્લી ઘડીએ એકાએક એજન્સી ખસી ગઈ
માંગરોળ નગરપાલિકામાં ભાજપે સત્તા સંભાળ્યા બાદ ચોમાસામાં વરસાદી પાણીના ભરાવાની સ્થિતિ નિવારવા તંત્રએ કમર કસી છે. તો બીજી તરફ પાણીને જમીનમાં ઉતારવા નવા બોર બનાવવા તથા સંબંધિત કામગીરી માટે વાર્ષિક ધોરણે અપાતા કોન્ટ્રાક્ટમાં તમામ વહીવટી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ છેલ્લી ઘડીએ એકાએક એજન્સી ખસી જતાં અનેકવિધ ચર્ચા ઉઠી છે. ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા નાના બોર પૈકી અડધોઅડધ હાલ ચોકઅપ સ્થિતિમાં છે. ત્યારે ચોમાસામાં લોકોને પડતી મુશ્કેલીઓ આ વર્ષેય યથાવત રહેશે કે કેમ ? તેવો પ્રશ્ન ઉઠ્યો છે.
છેલ્લા ત્રણેક વર્ષથી ધોધમાર વરસાદ, પાણીના નિકાસ માટે અવરોધરૂપ પેશકદમીઓ, નાલા તથા કેનાલોની અપુરતી સફાઈ, બંધ પડેલા બોર સહિતના કારણોથી અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. શહેરની અનેક સોસાયટીઓ, વિસ્તારોમાં પાણીનો ભરાવો થાય છે. મકાનોમાં પાણી ઘૂસી જાય છે. પાણીના નિકાલ માટે નાછુટકે હાઈવેના ડિવાઈડરો પણ તોડવા પડે છે. ત્યારે ન.પા. પ્રમુખ, ચિફ ઓફીસર, શહેર ભાજપ પ્રમુખ તથા કેટલાક સદસ્યોએ પ્રિમોન્સુનની કામગીરીને પ્રાથમિકતા આપી, કામગીરી દરમ્યાન અનેક જગ્યાએ રૂબરૂ હાજર રહી વ્યવસ્થિત સફાઈ થાય તેની તકેદારી રાખી છે. પ્રથમ તબક્કામાં કેશોદ ચોકડી, ધોબીવાડા, ગાયત્રી નગર, જાનકી નગર, માટીખાણથી શેખમીંયા તળાવ, જુના બસ સ્ટેન્ડથી બહારકોટ, બંદર ઝાંપાથી કેનાલ, માત્રીના પુલથી મકતુપુર ઝાંપા, બંદરે મચ્છી માર્કેટ પાસે લાગુ પડતાં નાલા, કેનાલોની સફાઈ, પાણીના નિકાલ માટે અવરોધ દુર કરવા કામગીરી હાથ ધરી પાલિકા દ્વારા ૭૦ થી ૭૫ ટ્રેક્ટર જેટલો કચરો કાઢવામાં આવ્યો છે.
વરસાદના પાણીનો ભરાવો અટકાવવા તથા આ પાણીને સીધું ભૂગર્ભમાં ઉતારવા દર વર્ષે બોર કરવાના ન.પા. દ્વારા વાર્ષિક ધોરણે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે પણ જાહેર નિવિદા, ટેન્ડર પ્રક્રિયા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં પાંચ એજન્સીઓના ટેન્ડર આવ્યા બાદ નિયમોનુસાર એક એજન્સીને કામ આપવામાં આવ્યું હતું. પરંતુ તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ અચાનક જ એજન્સીએ કામ ન કરવા અસંમતિ દર્શાવી છે. ચોમાસું નજીક છે ત્યારે આ જરૂરી કામગીરી ટલ્લે ચઢી છે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા મોટાભાગના બોરમાં ચેમ્બર, કુંડી જ મુકવામાં આવી નથી. પરિણામે વરસાદી પાણી સાથે મોટા પ્રમાણમાં કચરો ફસાતા અનેક બોર જામ થઈ ગયા છે. હાલમાં શહેરમાં ૩૫ જેટલા મોટા બોર છે. જ્યારે ૮૦ જેટલા નાના બોર પૈકી ૪૦ થી ૪૫ જેટલા ચોકઅપ જેવી સ્થિતિમાં છે. ચોમાસા પહેલા શહેર માટે અત્યંત જરૂરી બોરના કામ શરૂ થશે કેમ ? તે પણ એક પ્રશ્ન છે

