ગોવાહાટી,તા.૩૧
ચેન્નાઈ સુપર કિંગ્સે આઇરપીએલ ૨૦૨૫ માં તેમની પહેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને હરાવીને શાનદાર શરૂઆત કરી હતી, પરંતુ ત્યારથી ટીમ સતત ૨ મેચ હારી ગઈ છે. ચેન્નઈને તેની બીજી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે હારનો સામનો કરવો પડ્યો હતો અને હવે તે તેની ત્રીજી મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે હારનો સામનો કરવો પડ્યો છે. ગુવાહાટીમાં રમાયેલી આ મેચમાં, રાજસ્થાન રોયલ્સે નીતીશ રાણાની શાનદાર બેટિંગ અને લેગ-સ્પિનર વાનિંદુ હસરંગાની ઉત્કૃષ્ટ બોલિંગને કારણે ચેન્નાઈને ૬ રને હરાવીને સીઝનની પોતાની પહેલી જીત નોંધાવી.
પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે નીતિશ રાણાની ૮૧ રનની વિસ્ફોટક ઇનિંગના આધારે ૧૮૨ રન બનાવ્યા. જવાબમાં ચેન્નાઈની ટીમ નિર્ધારિત ૨૦ ઓવરમાં ૬ વિકેટે માત્ર ૧૭૬ રન જ બનાવી શકી. રાજસ્થાનના સ્પિનર વાનિન્દુ હસરંગાએ ચેન્નાઈના બેટ્સમેનોને રોકવામાં મોટી ભૂમિકા ભજવી હતી, જેમણે ૪ ઓવરના પોતાના ક્વોટામાં માત્ર ૩૫ રન આપીને ૪ બેટ્સમેનોની વિકેટ લીધી અને આઇપીએલમાં પોતાના નામે એક ખાસ રેકોર્ડ બનાવ્યો.
હસરંગાએ રાહુલ ત્રિપાઠી, ચેન્નાઈના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ, શિવમ દુબે અને વિજય શંકરની વિકેટ લીધી. આમ, તે આઇપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં ૪ વિકેટ લેનાર ત્રીજો સ્પિનર બન્યો. આ પહેલા ફક્ત હરભજન સિંહ અને બ્રેડ હોગે જ આ મહાન સિદ્ધિ મેળવી હતી. એટલું જ નહીં, હસરંગા રાજસ્થાનનો બીજો બોલર છે જેણે સીએસકે સામે આઇપીએલ મેચમાં ૪ કે તેથી વધુ વિકેટ લીધી છે. આ પહેલા ૨૦૦૮માં આઇપીએલઆઇપીએલમાં સોહેલ તનવીરે ૧૪ રન આપીને ૬ વિકેટ લીધી હતી.
આઇપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં ૪ વિકેટ લેનારા સ્પિનરો
૫/૧૮ – હરભજન સિંહ (એમઆઇ), મુંબઈ વાનખેડે સ્ટેડિયમ, ૨૦૧૧
૪/૨૯ – બ્રેડ હોગ (કેકેઆર), કોલકાતા, ૨૦૧૫
૪/૩૫ – વાનિન્દુ હસરંગા (આરઆર), ગુવાહાટી, ૨૦૨૫
લક્ષ્યનો પીછો કરતા, ચેન્નાઈના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે ૬૩ રનની શાનદાર ઇનિંગ રમી, પરંતુ અન્ય બેટ્સમેનોના સહયોગના અભાવે, ટીમને સતત બીજી હારનો સામનો કરવો પડ્યો. વિશ્વના શ્રેષ્ઠ ફિનિશર ગણાતા મહેન્દ્ર સિંહ ધોની પણ ટીમને વિજયના ઉંબરે પહોંચાડી શક્યા નહીં.છેલ્લી મેચમાં નવમા નંબરે બેટિંગ કરવા ઉતરેલો ધોની આ વખતે સાતમા નંબરે બેટિંગ કરવા ઉતર્યો જ્યારે ચેન્નઈને ૧૨ બોલમાં ૩૯ રનની જરૂર હતી. તેણે તુષાર દેશપાંડેની બોલિંગમાં એક ફોર અને એક સિક્સર ફટકારી હતી, પરંતુ સંદીપ શર્માની બોલિંગમાં છેલ્લી ઓવરમાં તેણે પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. બાઉન્ડ્રી પાસે ઉભેલા શિમરોન હેટમાયરએ આગળ ડાઇવ કરી અને એક શાનદાર કેચ પકડ્યો, જેનાથી ચેન્નાઈની જીતની આશાઓ પર પાણી ફરી ગયું.