ફાલ્ગુની વસાવડા
આપનાં શ્રીચરણોમાં મારાં સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. ભોગ દેખી લપસી પડવું, અને પછી ભયભીત થઈ જવું એવી નબળી માનસિકતા એ કળિયુગમાં જ જોવાં મળે છે, એવું બિલકુલ નથી. સતયુગમાં મહિષાસુર, શુંભ, નિશુંભ, હિરણ્યકશિપુ વગેરે ની દસ માથાં કે વિચિત્ર ચહેરા નખ દૂબળા વળી ગયેલા હાથપગ અને દેવતાઓની પણ સિદ્ધિની નામે વિચિત્રતા, એટલે કે દેવતાઓની ભોગી વૃત્તિ અને અસુરોની વિકૃત વૃત્તિને લીધે યુગ પરિવર્તન થયું! ત્રેતાની વાત કરીએ તો રાજાઓમાં વારસદારને નામે બહું પત્નીત્વ અને અન્ય માટે દાસી પ્રથા! દ્વાપરયુગમાં તો ભાઈઓ ભાઈઓ વચ્ચે અણબનાવ અને નબળી માનસિકતા તો એવી કે ભાઈની પત્ની પર નજર બગાડી! કળિયુગમાં ક્યાંક ભોગ સાથે યોગ,એમ અડધી અડધી માત્રા છે, અને ક્યાંક અતિ હિંસક, તો ક્યાંક સતયુગ કરતાં પણ અતિ સાત્વિક! અને એટલે જ થોડુંક મન પર કામ થાય ! કામના પર કાબૂ કરી શકાય ! કે પછી ભોગ વૃત્તિ માંથી પગલે પગલે યોગ વૃત્તિ તરફ ગતિ થાય ! અન્ય પ્રત્યે માત્ર સહાનુભૂતિ નહીં સંવેદના વધે તો આ વર્તમાન સમય સતયુગનું નિર્માણ કરી શકે છે! કારણકે સમય ને ચક્ર સાથે સરખાવ્યો છે, અને જેમ સતયુગ થી આ સમયનું ચક્ર ફરતું ફરતું કળિયુગ સુધી આવ્યું તો હવે ફરીથી સમયનું એ આવર્તન આપણા થકી જ આવશે! આપણે સોમવારે ચરિત્રની ઓળખમાં મહાભારતના પાત્રો પર ચિંતન કરીએ છીએ તો આજે પાડું રાજા પર થોડું સાત્વિક તાત્વિક ચિંતન કરીએ.
મહાભારતની કથા અનુસાર, રાજા વિચિત્રવિર્ય નિઃસંતાન મૃત્યુ પામ્યા અને સત્યવતી એ ભિષ્મને પોતાની પ્રતિજ્ઞા પાછી લઈ રાજગાદી નાં વારસદાર માટે લગ્ન કરવા સમજાવ્યા, પરંતુ એમણે ઘસીને ના પાડી દીધી! ત્યારે સત્યવતી એ પોતાના પુત્ર વેદવ્યાસ ને આજ્ઞા કરી. જેમ વેદ વ્યાસના દેખાવથી અંબિકાએ ડરીને આંખ બંધ કરી દીધી, એટલે ધૃતરાષ્ટ્ર અંધ જન્મ્યા બસ એ જ રીતે અંબાલિકાને ચક્કર આવ્યાં અને તે પડી ગઈ, એટલે એ બાળક પીળું લોહી વગરનું ફિક્કું જન્મ્યું, એટલે એનું નામ પાડું પાડવાંમાં આવ્યું અને આમ પાંડુ હસ્તિનાપુરના રાજા બન્યા, જે વિચિત્રવીર્ય અને અંબાલિકાના પુત્ર તથા મહાન યોદ્ધા હતાં. પાંડુને ક્યાંક રાજા બતાવાયા છે તો ક્યાંક તેને ધૃતરાષ્ટ્રની સેનાના સેનાપતિ બતાવાયા છે. પરંતુ હસ્તિનાપુરની સીમા વધારવા તેમજ એક રાજા તરીકેનો ઈતિહાસ બતાવે છે કે એ એક પાવરધો ધનુર્ધર હતો, અને તે ધૃતરાષ્ટ્ર અંધ હોવાથી તેના વતી રાજ્ય પણ ચલાવતો. પાંડુએ દસર્નસ, કાશી, અંગ, વંગ, કલિંગ, મગધ, વિગેરે રાજ્યો જીત્યાં અને પોતાની અન્ય રાજાઓમાં સર્વોપરીતા સિદ્ધ કરી.પાંડુના લગ્ન મદ્ર દેશની રાજકુમારી માદ્રી, અને વૃશિણીના રાજા કુંતીભોજની પુત્રી કુંતી સાથે થયા.
રાજા પાડુંને પાંચ પુત્ર પાંડવો જે યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુળ અને સહદેવનાં પિતા હતા. પરંતુ આ પુત્રોનાં જન્મ પાછળ એક કથા જોડાયેલી છે. કિંદમ ઋષિના શ્રાપના કારણે રાજા પાંડુ પોતે સંતાન ઉત્પન્ન કરવા સક્ષમ નહોતા, તેથી તેમના પુત્રોનો જન્મ તેમની પત્નીઓ કુંતી ને ઋષિ દુર્વાસા દ્વારા મળેલા એક વરદાનથી દેવતાઓના આહ્વાનથી થયો હતો, જેમાં યુધિષ્ઠિર ભીમ અને અર્જુન, નો જન્મ થયો, જ્યારે નકુલ સહદેવની માતા માદ્રી છે! પરંતુ પાંડવો નો જન્મ હસ્તિનાપુરમાં થયો નથી! એમનો જન્મ વન માં થયો, અને એની પાછળ પણ એક કથા છે.એકવાર રાજા પાંડુ જંગલમાં શિકાર કરવા ગયા હતા. ત્યાં ઋષિ કિંદમ અને તેમની પત્ની હરણનું રૂપ ધારણ કરીને એકાંતમાં વિહાર કરી રહ્યાં હતાં. રાજા પાંડુએ તેમને સામાન્ય હરણ સમજીને તીર ચલાવ્યું, જેનાથી ઋષિ ઘાયલ થયા. કિંદમ ઋષિએ એમને શ્રાપ આપ્યો કે તું પણ આ રીતે અંગત ક્ષણોનું સુખ ભોગવી રહ્યો હોઈશ, ત્યારે તારું મૃત્યુ થશે.
પોતાનાં હાથે એક નિર્દોષ દંપતીનુ મૃત્યુ થયું, અને એનો શ્રાપ લાગ્યો! એટલે રાજા પાડું બહુ દુઃખી થઈ ગયાં. પિતામહ ભીષ્મ અને વિદૂરને હસ્તિનાપુર નું રાજ્ય સોંપી પાડું રાજા બંને પત્નીઓ સાથે વન ગમન કરી ગયા. બે બે યુવાન પત્ની સાથે હોય, અને એમાં પ્રકૃતિ વસંતનો આલાપ છેડે તો કોઈ કંઈ રીતે કામવશ થાય નહીં! અને એમાં રાજા! પાડું રાજા પણ પોતાની યુવા પત્ની માદ્રી થી મોહિત થયાં, માદ્રી એ એમને રોકવાની બહુ કોશિશ કરી, પણ અંતે જે નિયતી હોય એને કોણ રોકી શકે? એટલે આ શ્રાપવશ જ તેમનું અકાળે મૃત્યુ થયું હતું. માદ્રી નાં અંગ અંગમાં પોતાના કારણે જ પતિએ પ્રાણ ગુમાવ્યા એવી પીડા વ્યાપી ગઈ, અને એણે પતિ પાછળ સતી થવાનો નિર્ણય લીધો! કુંતી સામે પાંચ સંતાનો હતાં, અને એને ઉછેરવા એને જ પોતાના પતિ પ્રેમનું કર્તવ્ય સમજી એણે એનાં ઉછેરમાં જીવન હોમી દીધું. રાજા પાડુંનાં મૃત્યુ સમયે યુધિષ્ઠિર ની ઉંમર માત્ર 16 વર્ષ હતી, માટે ધૃતરાષ્ટ્ર ને રાજા બનાવાયાં.
પાડું રાજા નાં ચરિત્ર નો બોધ શું છે? એવો કોઈ પ્રશ્ન થાય તો, સામાન્ય રીતે પાડું નો અર્થ એનીમિક એટલે નબળું એવો થાય, હાં જન્મ સમયે એ એવાં જ હતાં, અને એટલે જ એનું નામ પાડું પડ્યું! પરંતુ પછી એક સમર્થ યોદ્ધા તથા રાજાનું ચરિત્ર એણે બનાવ્યું! એટલે કે શારિરીક શક્તિ તો એમણે મેળવી લીધી! પણ મન થોડું પાડું એટલે નબળું રહી ગયું! અથવા રાજાનાં પદનો અહંકાર હોય! અને આ શક્તિનાં મદ માં જ એણે હરણ પર તીર ચલાવ્યું! હરણને જંગલનું સૌથી ડરપોક પ્રાણી માનવામાં આવે છે. ઋષિ નો શ્રાપ લાગવો એ બધું તો બરોબર છે, પરંતુ આજના કાળના સંદર્ભમાં એને મૂલવીએ તો, શક્તિહીન પર શક્તિશાળી જ્યારે પ્રહાર કરે અને એને હાનિ પહોંચે, તો એની હાય લાગ્યાં વગર રહે નહીં! શિકાર કરવો એ કદાચ એ સમયમાં થતું હશે! પરંતુ એમના અંગત સમયે! જે ખરેખર પાપ કૃત્ય જ છે. ઈતિહાસને એક પાઠ સમજી ભણી લેવાનો એવું નથી હોતું! એ ભૂલને આપણે દોહરાવવી નહીં એવી શીખ માટે ઈતિહાસ ભણવાનો હોય છે! પણ આપણાં ભણવામાં તો મોટેભાગે મોગલો અને અને નવાબી સંસ્કૃતિના પાઠ જ આવ્યાં, જેમણે હિંસા અને અત્યાચાર સિવાય બીજું કંઈ કર્યું નથી! તો પાડું ના જીવન ચરિત્ર માંથી આપણે બે વાત તારવી શકીએ! એક જન્મ સમયે આપણી જે છબી હોય એ કાયમ નથી રહેતી, એને આપણે વધુ સુંદર બનાવી શકીએ છીએ, પરંતુ બન્યા પછી એ છબી બરકરાર રાખવા જાગૃત રહેવું પડે! બીજું રાજા એટલે કે શક્તિશાળી એ પોતાની સીમા વિસ્તારના પ્રાણી માત્ર માટે સદભાવ રાખવો! સમભાવ રાખવો, એનું ભક્ષણ નહીં રક્ષણ કરવું. આજનાં સમય પ્રમાણે આપણે મનથી ક્યારેય પાડું બની આવી ભૂલ કરીએ નહીં, એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું ફરી મળીશું નવાં ચિંતન મનન સાથે તો સૌને મારા આજનાં દિવસનાં સ્નેહ વંદન અને જય સીયારામ.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

