Rajkot તા.8
રાજકોટ શહેરમાં શિયાળાના પ્રારંભે ડબલ સિઝનમાં રોગચાળાના કેસમાં વધારો થતો જ રહે છે. ગત સપ્તાહે પણ રાજકોટમાં રોગચાળાના 2336 જેટલા કેસ નોંધાયા છે.
તો ડેંગ્યુનો માત્ર 1 કેસ જાહેર થયો છે. મેલેરીયા અને ચીકનગુનીયા શુન્ય નોંધાયાનું આરોગ્ય વિભાગે જાહેર કર્યું છે. મેલેરીયા શાખાએ જાહેર કરેલા રીપોર્ટ મુજબ તા.1/12થી 7/12/25 દરમ્યાન શરદી-ઉધરસના 1276, સામાન્ય તાવના 893, ઝાડા-ઉલ્ટીના 163, ટાઈફોઈડનો 1 અને કમળો તાવના ફરી 2 કેસ નોંધાયા છે. મચ્છરના વધેલા ઉપદ્રવ વચ્ચે કોર્પો.ના ચોપડે મચ્છરજન્ય રોગચાળો નહીંવત દર્શાવાયો છે.
અલગ અલગ વિસ્તારમાં મચ્છરજન્ય રોગનો ફેલાવો રોકવા રહેણાક અને કોમર્શીયલ મિલ્કતમાં ચકાસણી ચાલુ રાખવામાં આવી છે. તે અંતર્ગત રહેણાક સિવાય 118 મિલ્કતોમાં તપાસ કરવામાં આવી હતી.
જેના અંતે રહેણાકમાં 60 અને કોમર્શીયલમાં 19 મિલકત ધારકને બેદરકારી બદલ નોટીસ ફટકારવામાં આવી છે. સપ્તાહમાં 7572 ઘરોમાં પોરાનાશક અને 786 ઘરમાં ફોગીંગ કામગીરી કરવામાં આવી હતી. જયાં મચ્છરોનો ઉપદ્રવ વધુ હોય અને સંવેદનશીલ વિસ્તારોમાં હોય ત્યાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન દ્વારા કામગીરી ચાલુ રાખવામાં આવી છે.
હાલ ખાનગી દવાખાનાઓમાં પણ શરદી-ઉધરસના કેસમાં મોટો ઉછાળો દેખાઈ રહ્યો છે. ઘરે ઘરે શરદી-ઉધરસના કેસ દેખાઈ રહ્યા છે. આથી લોકોને પ્રદુષણ વચ્ચે વધુ તકેદારી રાખવા આરોગ્ય વિભાગે અનુરોધ કર્યો છે.

