New Delhi, તા.2
શ્રીલંકાનું નામ લઇને ભારતને બદનામ કરનાર પાકિસ્તાનની પોલ ભારતે ખોલી નાખી છે. પાકિસ્તાને તેના મીડિયામાં એવો ભ્રામક પ્રચાર કર્યો હતો કે વાવાઝોડાગ્રસ્ત શ્રીલંકાને સહાય પહોંચાડવા માટે ભારતે એરસ્પેસ આપવાની મનાઇ કરી હતી. જોકે ભારતે પાક.ના દાવા ફગાવી કહ્યું હતું કે, ભારતે માત્ર ચાર કલાકમાં જ માનવીય સહાય માટે એરસ્પેસની મંજુરી આપી હતી.
ભારતીય અધિકારીઓએ પાકિસ્તાની મીડિયામાં ચાલી રહેલા એવા સમાચારોને ‘ફેક ન્યૂઝ’ અને ‘દુષ્પ્રચાર’ ગણાવ્યા છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતે વાવાઝોડાથી પ્રભાવિત શ્રીલંકાને માનવતાવાદી સહાય મોકલવા માટે પાકિસ્તાનને પોતાના હવાઈ ક્ષેત્ર (એરસ્પેસ)નો ઉપયોગ કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે. હકીકતમાં, ભારતે આ મામલે પાકિસ્તાનની વિનંતી પર તાત્કાલિક વિચાર કરીને માત્ર ચાર કલાકની અંદર જ મંજૂરી આપી દીધી હતી.
આ ઘટનાક્રમની જાણકારી ધરાવતા અધિકારીઓએ જણાવ્યું કે, પાકિસ્તાન દ્વારા સોમવારે બપોરે લગભગ 1 વાગ્યે (ભારતીય સમય મુજબ) ભારતીય હવાઈ ક્ષેત્રમાંથી ઉડાન ભરવા માટે સત્તાવાર વિનંતી કરવામાં આવી હતી.
આ વિનંતી શ્રીલંકાને માનવતાવાદી સહાય મોકલવા માટે હોવાથી, ભારતે તેને અત્યંત ગંભીરતાથી અને ઝડપથી પ્રક્રિયામાં લીધી. સોમવારે સાંજે 5ઃ30 વાગ્યા સુધીમાં, એટલે કે માત્ર સાડા ચાર કલાકના ટૂંકા ગાળામાં જ, ભારતે પાકિસ્તાનને સત્તાવાર માધ્યમથી મંજૂરીની જાણ કરી દીધી હતી.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભારતે આ પગલું સંપૂર્ણપણે માનવતાવાદી ધોરણે ઉઠાવ્યું છે, ભલે પાકિસ્તાન તરફથી ભારતીય વિમાન કંપનીઓ માટે તેમના હવાઈ ક્ષેત્રના ઉપયોગ પર પ્રતિબંધો ચાલુ હોય.
એક અધિકારીએ કહ્યું, પાકિસ્તાની મીડિયા હંમેશની જેમ દુષ્પ્રચાર અને ખોટા સમાચારો ફેલાવવામાં લાગેલું છે. આ આરોપો પાયાવિહોણા અને ભ્રામક છે. હવાઈ ક્ષેત્રના ઉપયોગ માટેની તમામ વિનંતીઓ પર સ્થાપિત પ્રક્રિયાઓ અને આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર કડક કાર્યવાહી કરવામાં આવે છે.

