New Delhi તા.12
છેલ્લા ત્રણ દાયકામાં જલવાયુ આપત્તિઓથી સર્વાધિક અસરગ્રસ્ત દેશોની યાદીમાં ભારત નવમા નંબરે છે, જયાં લગભગ 430 વખત પ્રાકૃતિક રીતે અસહનીય હવામાનની ઘટનાઓના કારણે 80 હજારથી વધુ લોકોના મોત થયા છે. જયારે આના કારણે 1.3 અબજ લોકોને અસર પણ થઈ છે.
ભારત દુનિયાના એ દેશોમાં સામેલ છે જે ત્રણ દાયકાથી જલવાયુ આપત્તિઓથી સૌથી વધુ પ્રભાવિત થયા છે. પર્યાવરણ થિંક ટેન્ક જર્મન વોચના નવા રિપોર્ટ કલાયમેટ રિસ્ક ઈન્ડેકસ (સીઆરઆઈ) 2026 મુજબ 1995થી 2024 દરમિયાન ભારતમાં લગભગ 430 જેટલી પ્રાકૃતિક રીતે અસહનીય હવામાનની ઘટનાઓએ 80 હજારથી વધુ લોકોના જીવ લીધા અને 1.3 અબજથી વધુ લોકોને અસર કરી.
આપત્તિઓથી ભારતને 14 લાખ કરોડનું નુકસાન
આ આપત્તિઓથી ભારતને 170 અબજ ડોલર એટલે કે 14 લાખ કરોડ રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે. આ રિપોર્ટ બ્રાઝીલના બેલેમ શહેરમાં આયોજીત કોપ-30 સંમેલનમાં મંગળવારે જાહેર કરવામાં આવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે ભારતમાં સતત વધતા પૂર, વાવાઝોડુ, દુકાળ અને ભીષણ ગરમી જેવી ઘટનાઓ જલવાયુ પરિવર્તનની ગંભીર અસરને રેખાંકિત કરે છે.
સતત આપત્તિઓ, ઘટના વિકાસના લાભો
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતની સ્થિતિ સતત ખતરા જેવી છે, એટલે કે આ ઘટનાઓ હવે અલગ અલગ નથી. બલકે વારંવાર બેવડાઈ રહી છે. આથી વિકાની સિધ્ધિઓ પર અસર પડી રહી છે. આથી વિકાસની સિધ્ધિઓ પર અસર પડી રહી છે અને કરોડો લોકોની આજીવિકા ખતરામાં આવી ગઈ છે.
ભારતની વિશાળ વસ્તી અને મોનસૂની પેટર્ન પર નિર્ભરતા તેને ખાસ રીતે સંવેદનશીલ બનાવે છે. રિપોર્ટ બતાવે છે કે દર વર્ષે કરોડો લોકો કોઈને કોઈ રીતે ભીષણ હવામાનની ઝપટમાં આવે છે.
2024માં ભારે વરસાદ-પૂરથી 80 લાખ લોકોને અસર
2024માં ભારે વરસાદ અને અચાનક આવેલા પૂરથી ગુજરાત મહારાષ્ટ્ર અને ત્રિપુરામાં લગભગ 80 લાખ લોકોને અસર કરી હતી. ગત વર્ષ દુનિયાભરમાં સૌથી વધુ નુકસાન પૂર અને વાવાઝોડાથી થયું. જેમણે વૈશ્વિક સ્તરે અબજો ડોલરનું નુકસાન પહોંચાડયું હતું.
ભારતમાં આપત્તિઓની લાંબી યાદી
રિપોર્ટમાં ભારતની અનેક વિનાશકારી ઘટનાઓનો ઉલ્લેખ કરાયો છે. તેમાં વર્ષ 1998માં ગુજરાતમાં આવેલ વાવાઝોડુ, 1999માં ઓરિસ્સાનું સુપર વાવાઝોડુ, વર્ષ 2013માં ઉતરાખંડમાં આવેલ પૂર અને હાલના વર્ષોની ઘાતક હીટવેવ સામેલ છે. આ બધી ઘટનાઓએ ભારતના જલવાયુ જોખમ રેન્કીંગને ઉંચુ બતાવ્યું છે.
જલવાયુ આપત્તિઓની વૈશ્વિક સ્થિતિ
વર્ષ 1995થી 2024 દરમિયાન દુનિયામાં 9700થી વધુ વાર હવામાનના કારણે થયેલી ઘટનાઓ નોંધાઈ. જેમાં 8.3 લાખથી વધુ લોકોના મોત થયા અને 5.7 અબજ લોકોને અસર થઈ કુલ આર્થીક નુકશાન 4.5 ટ્રિલિયન ડોલરથી વધુ આંકવામાં આવ્યું છે.
જલવાયુ આપત્તિથી અસરગ્રસ્ત ટોપ 10 દેશ
આ યાદીમાં પહેલા નંબરે ડોમિનિકા, મ્યાનમાર, હોન્ડુરાસ, લીબિયા, હૈતી, ગ્રેનેડા, ફિલીપીન્સ, નિકારાગુઆ, ભારત અને બહામાસ સામેલ છે.
ગરીબ દેશો પર સૌથી વધુ અસર
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વિકાસશીલ દેશ હજુ પણ જલવાયું આપત્તિ સૌથી વધુ અસરગ્રસ્ત છે. કારણ કે તેમની પાસે અનુકૂલન અને પુનર્વાસ માટે સીમિત સંસાધનો છે. જર્મન વોચે કહ્યું છે કે 2024માં અલ નીનોની સ્થિતિએ હવામાનને અસામાન્ય બનાવ્યું છે પરંતુ અસલી કારણ માનવસર્જિત જલવાયુ પરિવર્તન જ રહ્યું, જેણે હીટવેવ, વાવાઝોડુ અને પૂરોની તીવ્રતા વધારી.
`નવું સામાન્ય’ બની ચૂકી છે આપત્તિઓ
રિપોર્ટમાં ચેતવણી અપાઈ છે કે વારંવાર આવતી આ આપત્તિઓ હવે ન્યુ નોર્મલ એટલે કે નવી સામાન્ય સ્થિતિ બનતી જઈ રહી છે, આથી ગરીબ અને વિકાસશીલ દેશોની આર્થિક સ્થિતિ નબળી પડી રહી છે અને ગરીબી વધવાનો ખતરો છે.

