Washington,તા.13
અમેરિકાનાં નવાં ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને લઈને ચોંકાવનારું નિવેદન આપ્યું છે. ટાઈમ મેગેઝિન સાથેની વાતચીત દરમિયાન ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે ઈરાન અમેરિકા સાથે યુદ્ધ કરે તેવી શક્યતા કેટલી છે ? તેનાં જવાબમાં ટ્રમ્પેે કહ્યું કે કંઈ પણ થઈ શકે છે. ટાઈમ મેગેઝીને ટ્રમ્પને પર્સન ઓફ ધ યર તરીકે પસંદ કર્યા છે.
ટ્રમ્પેે ઈરાન સાથે યુદ્ધની આશંકા નકારી ન હતી. ટ્રમ્પેે કહ્યું કે ’કંઈ પણ થઈ શકે છે. આ ખૂબ જ અસ્થિર સ્થિતિ છે. ટ્રમ્પેે કહ્યું, ’તેમનું માનવું છે કે અત્યારે સૌથી ખતરનાક સ્થિતિ યુક્રેન દ્વારા રશિયામાં મિસાઈલ છોડવાની છે, જે યુદ્ધને વધુ ખરાબ કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, પોતાનાં પ્રથમ કાર્યકાળ દરમિયાન પણ ટ્રમ્પનું વલણ ઈરાન પ્રત્યે ખૂબ જ કડક હતું. ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ જૂથે ટ્રમ્પની હત્યા કરવાની ધમકી આપી હતી.
જે બાદ ટ્રમ્પેે ઈરાનને કડક શબ્દોમાં ધમકી આપી હતી. જોકે, ઈરાને આ આરોપોને નકારી કાઢ્યાં હતાં. વર્ષ 2020માં ટ્રમ્પેે પોતે ઈરાન વિરુદ્ધ હવાઈ હુમલાને મંજૂરી આપી હતી, જેમાં ઈરાનના ટોચનો સૈન્ય કમાન્ડર કાસિમ સુલેમાની માર્યો ગયો હતો.
બરાક ઓબામા સરકાર દરમિયાન 2015 માં અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ સમજૂતી થઈ હતી, પરંતુ 2018 માં ટ્રમ્પેે તે કરાર તોડી નાખ્યો હતો અને ઈરાન પર આર્થિક પ્રતિબંધો લગાવ્યાં હતાં, જેનાં કારણે ઈરાનની યુરેનિયમ સંવર્ધન ક્ષમતામાં ઘટાડો થયો હતો અને તેનાં પરમાણુ કાર્યક્રમને મોટો આંચકો લાગ્યો હતો .
હવે જ્યારે ટ્રમ્પ ફરીથી અમેરિકાનાં પ્રમુખપદની જવાબદારી સંભાળવા જઈ રહ્યાં છે ત્યારે માનવામાં આવી રહ્યું છે કે અમેરિકા ઈરાન પર ફરીથી દબાણ વધારી શકે છે.
ટ્રમ્પના નજીકનાં એક નેતાએ પોતાનાં નિવેદનમાં કહ્યું છે કે રાષ્ટ્રપતિ પદ સંભાળ્યાના પહેલાં જ દિવસથી ટ્રમ્પ ઈરાન પર દબાણ બનાવવાની રણનીતિ પર કામ કરશે જેથી પશ્ર્ચિમ એશિયામાં ચાલી રહેલી સ્થિતિને નિયંત્રિત કરી શકાય.

