Hyderabad, તા.24
સનરાઇઝર્સ હૈદરાબાદનું જૂનું વલણ જોવા મળ્યું હતું. દરેક બોલને બાઉન્ડ્રી લાઇનની પાર કરવાનો પ્રયાસ કર્યો હતો. આશા હતી કે સનરાઇઝર્સ પહેલી જ મેચમાં 300નો સ્કોર પાર કરશે.
પરંતુ આખરે ટીમ આનાથી 14 રન ઓછી રહી અને લીગના સર્વોચ્ચ સ્કોરથી એક રન પાછળ રહી. ઇશાન કિશનની ઈંઙકની પ્રથમ તોફાની સદી સાથે હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને 44 રને હરાવીને શાહી શરૂઆત કરી હતી.
હૈદરાબાદ તરફથી પ્રથમ વખત રમી રહેલા ઈશાને 47 બોલમાં 11 ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી 106 રનની અણનમ ઈનિંગ રમી હતી. તેણે ટ્રેવિસ હેડ (67) સાથે બીજી વિકેટ માટે 85 રન, નીતિશ કુમાર (30) સાથે ત્રીજી વિકેટ માટે 72 રન અને ક્લાસેન (34) સાથે ચોથી વિકેટ માટે 56 રન જોડ્યા હતા.
આ સાથે હૈદરાબાદે છ વિકેટે 286 રન બનાવી લીગના ઈતિહાસમાં પોતાનો અને બીજો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો હતો. અભિષેક (24 રન) અને નીતિશના પ્રયાસો પ્રથમ 10 ઓવરમાં હેડ અને છેલ્લી 10 ઓવરમાં ઈશાનના વર્ચસ્વની સરખામણીમાં ફિક્કા હતા.
વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાનની ટીમ છ વિકેટે 242 રન જ બનાવી શકી હતી. ટીમની શરૂઆત ખરાબ રહી હતી. હૈદરાબાદના બોલર સિમરજીત (46/2) અને શમી (33/1)એ ઓપનર યશસ્વી (1), કાર્યકારી કેપ્ટન પરાગ (4) અને રાણા (11)ને શરૂઆતી 25 બોલમાં પાછા ફર્યા હતા.
ત્યારબાદ તેનો સ્કોર ત્રણ વિકેટે 50 રન થઈ ગયો હતો. સંજુ (66) અને જુરેલ (70)એ ચોથી વિકેટ માટે 111 રન જોડીને ટીમને રેસમાં જાળવી રાખી હતી. બંને ત્રણ બોલમાં આઉટ થયા બાદ શુભમ (અણનમ 34) અને હેટમાયર (42)એ ટીમને લક્ષ્યાંક સુધી લઈ જવાનો પ્રયાસ કર્યો પરંતુ નિષ્ફળ રહ્યા.
જોફ્રા આર્ચરે એક અનિચ્છનીય રેકોર્ડ પોતાના નામે કર્યો. તે લીગના 18 વર્ષના ઈતિહાસમાં પોતાની ચાર ઓવરમાં સૌથી વધુ રન આપનાર બોલર બન્યો. રાજસ્થાનના આ ફાસ્ટ બોલરે ચાર ઓવરમાં 76 રન આપ્યા હતા અને તેને કોઈ વિકેટ મળી ન હતી. તેણે મોહિત શર્મા (73 રન, ગુજરાત વિરૂધ્ધ દિલ્હી)ને પાછળ છોડી દીધો.

