Rajkot તા.૨૧
સેવાનું પરમ ધામ સર્જવાની નેમ સાથે શહેરની ભાગોળે જામનગર રોડ, પડધરી પાસે સદભાવના વૃધ્ધાશ્રમનું નિર્માણ થવા જઈ રહયું છે તેમજ વૈશ્વિક પર્યાવરણના જતન માટે કરોડોની સંખ્યામાં વૃક્ષો વાવવાના ઉમદા હેતુથી સદભાવના વૃધ્ધાશ્રમ ધ્વારા પૂ. મોરારી બાપુના શ્રીમુખે વૈશ્વિક રામકથાનું આયોજન આપણા રાજકોટના આંગણે કરવામાં આવેલ છે. રામકથા તા. ૨૩ નવેમ્બરથી શરુ થઈને તા. ૧ ડિસેમ્બર સુધી ચાલશે. વિશાળ સંખ્યામાં ધર્મપ્રેમી ભાવિકો રામકથા શ્રવણ અને ભોજન પ્રસાદનો લહાવો લેશે.
આ વૈશ્વિક રામકથાની શરૂઆત પૂર્વે તા.૨૩ નવેમ્બરે ભવ્ય પોથીયાત્રા નીકળશે. આ પોથીયાત્રા વિરાણી હાઈસ્કુલ, ગ્રાઉન્ડથી શરૂ કરી હેમુ ગઢવી હોલ, દસ્તુર માર્ગ, ડો. યાજ્ઞિક રોડ, જિલ્લા પંચાયત ચોક, ફનવર્લ્ડ, બહુમાળી ભવન, પોલીસ હેડ કવાર્ટર ચોકથી રેસકોર્ષ ગ્રાઉન્ડ કથા સ્થળ પહોંચશે.
સમગ્ર બ્રહમાંડના સ્વામી ભગવાન શ્રી હરિ વિષ્ણુ, ભગવાન શ્રી રામ છે, જેમને રામચરિત માનસમાં મર્યાદા પુરૂષોતમ તરીકે દર્શાવવામાં આવ્યા છે અને મહર્ષિ વાલ્મીકિની રામાયણમાં ભગવાનશ્રી રામને આદર્શ માનવ પાત્ર તરીકે દર્શાવવામાં આવ્યા છે. રામાયણના રામ સમગ્ર માનવજાતને જીવન કેવી રીતે જીવવું તે શીખવે છે, પછી ભલેને જીવનમાં ગમે તેવા અવરોધો આવે એને રામચરિતમાનસના શ્રી રામ સર્વશકિતમાન હોવા છતાં મર્યાદા પુરૂષોતમ છે. ગોસ્વામી તુલસીદાસજીએ રચેલા આ પુસ્તકમાં દોહા, ચોપાઈ, સોરઠ અને શ્લોક સાથે વર્ણન કર્યુ છે. આ પોથીયાત્રામાં બે હજાર મહિલા ભકત બહેનો રામચરિત માનસની પોથીઓને પોતાના મસ્તક ઉપર ઉઠાવશે.
ખોડલધામ મહિલા મંડળના બહેનો દ્વારા પોથીયાત્રાની પૂર્વ તૈયારી અંતર્ગત રામચરિત માનસ પુસ્તકનું પેકિંગ અને ડેકોરેશનની આગવી તૈયારી કરવામાં આવી હતી. આ તકે ખોડલધામ મહિલા મંડળના પ્રમુખ સુમિતાબેન કાપડીયા તથા વિલાસબેન રૂપારેલીયા તેમજ રશ્મિબેન નોંધણવદરા, જાગૃતીબેન રામાણી, રેખાબેન વેકરીયા, જયોત્સનાબેન પેથાણી, દમયંતીબેન ઢોલરીયા, મધુબેન ચોવટીયા, વનીતાબેન ચોવટીયા, સરોજબેન મેંદપરા, હંસાબેન વિરમગામા, જયાબેન આઈરાણી, ભાવનાબેન માખેચા, હંસાબેન જાદવ, જયોત્સનાબેન કોટડીયા ઉપસ્થિત રહયા હતા. જેમાં ખોડલધામ મહિલા મંડળના બહેનોએ ગીતા પ્રેસ, ગોરખપુરના શ્રી રામચરિત માનસનું પેકિંગ કરેલ હતું.