Mumbai,તા.12
ભારતીય ટીમના સ્ટાર બે સ્ટાર બેટ્સમેન વિરાટ અને રોહિત શર્મા T20 ઈન્ટરનેશનલ અને ટેસ્ટમાંથી સંન્યાસ લઈ ચૂક્યા છે. તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે સીરિઝ દરમિયાન બંનેએ લાંબા સમય બાદ સ્પર્ધાત્મક ક્રિકેટમાં વાપસી કરી હતી. રોહિતે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને સદી ફટકારવાની સાથે પ્લેયર ઓફ ધ મેચ પણ રહ્યો હતો. બીજી તરફ વિરાટ કંઈ ખાસ કમાલ નહોતો કર્યો. શરૂઆતની બે મેચમાં તે પોતાનું ખાતું ખોલવામાં પણ નિષ્ફળ ગયો હતો. જોકે, બંને ખેલાડીઓએ છેલ્લી મેચમાં મોટો સ્કોર બનાવ્યો હતો. એક જ ફોર્મેટમાં રમવાના કારણે બંને ખેલાડીઓ સામે મેચ-ફિટ રહેવા માટે એક મોટો પડકાર છે. આવી સ્થિતિમાં BCCIએ સ્પષ્ટ કરી દીધું છે કે, ‘જો તમે ભવિષ્યમાં ભારતીય ટીમ તરફથી વન-ડે મેચમાં ભાગ લેવા માગે છો, તો તેમારે ઘરેલુ ટુર્નામેન્ટમાં નિયમિતપણે રમવું પડશે.’
ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામે 3-9 ડિસેમ્બર અને ત્યારબાદ 11 જાન્યુઆરીથી ન્યુઝીલેન્ડ સામે ઘરઆંગણે વન-ડે સીરિઝ રમશે. આ બંને સીરિઝ પહેલા ઘરેલુ ક્રિકેટમાં વિજય હજારે ટ્રોફી જ એકમાત્ર વિકલ્પ છે જેમાં આ બંને ખેલાડીઓ રમી શકે છે. BCCIના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ નિર્ણય ખેલાડીઓના વર્કલોડ મેનેજમેન્ટની જૂની નીતિમાં ફેરફારનો હિસ્સો છે. અત્યાર સુધી જે સિનિયર ખેલાડીઓ રાષ્ટ્રીય ટીમની બહાર હતા અથવા લાંબા બ્રેક પર ગયા હતા તેમને ઘણીવાર રણજી ટ્રોફી અથવા વિજય હજારે ટ્રોફી જેવી ઘરેલુ ટુર્નામેન્ટમાંથી મુક્તિ આપવામાં આવતી હતી.એક અહેવાલ પ્રમાણે પૂર્વ કેપ્ટન રોહિત શર્માએ મુંબઈ ક્રિકેટ એસોસિએશનને જાણ કરી છે કે તે વિજય હજારે ટ્રોફી રમવા માટે ઉપલબ્ધ રહેશે, પરંતુ વિરાટની ઉપલબ્ધતા અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી. બોર્ડના સૂત્રએ જણાવ્યું કે, બોર્ડ અને ટીમ મેનેજમેન્ટે એ બંનેને સ્પષ્ટ કરી દીધું છે કે જો તમે ભારત માટે રમવા માગતા હોય, તો તમારે ઘરેલુ ક્રિકેટ રમવું પડશે. કારણ કે તેઓ બંને બે ફોર્મેટમાંથી સંન્યાસ લઈ ચૂક્યા છે, તેથી મેચ-ફિટ રહેવા માટે તેમના માટે ઘરેલુ ક્રિકેટમાં હિસ્સો લેવું અનિવાર્ય છે.

