Jammu and Kashmir,તા.10
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર અભિયાન ચલાવ્યું હતું અને તેમાં પાકિસ્તાનના આતંકી સંગઠનોને તબાહ કરી દેવાયા હતા. એ પછી પાકિસ્તાને હુમલાની નાપાક કોશિશ કરી હતી, પરંતુ ભારતીય સેનાએ ડ્રોન અને મિસાઇલોને હવામાં તોડી પાડી હતી. ઓપરેશન સિંદૂરના સફળતા બાદ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈની બઢતી મળી છે.
લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈને બઢતી આપવામાં આવી છે. ભારત સરકારે રાજીવ ઘઈને ડેપ્યુટી ચીફ ઑફ સ્ટાફ નિયુક્ત કર્યા છે. ભારતીય સેનાના તમામ ઓપરેશનલ ક્ષેત્રો ડેપ્યુટી ચીફ ઑફ આર્મી સ્ટાફ(સુરક્ષા)ને રિપોર્ટ કરે છે. લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈ ડાયરેક્ટર જનરલ ઑફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) તરીકે સેવા આપવાનું ચાલુ રાખશે.સરંક્ષણ મંત્રાલયના અધિકૃત નિવેદનમાં જાહેર કરીને રાજીલ ઘાઈને પ્રમોશનની માહિતી આપી છે. તેને લઈને સરંક્ષણ મંત્રાલયે કહ્યું કે, ઇન્ડિયન આર્મી અને ગુપ્તચર એજન્સી સહિત અન્ય મુખ્ય ડિપાર્ટમેન્ટની વચ્ચે સામંજસ્ય બેસાડવા માટે ડેપ્યુટી ચીફ ઑફ આર્મી સ્ટાફ(સ્ટ્રેટેજી)નું પદ બનાવવામાં આવ્યું છે. ઇન્ડિયન આર્મીમાં મુખ્ય પદોમાંથી આ એક મહત્ત્વની પોસ્ટ માનવામાં આવે છે.
નોંધનીય છે કે, લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈ કુમાઉ રેજિમેન્ટના સીનિયર અધિકારી છે. તેમણે ભારતીય સેનામાં તેમની સેવા દરમિયાન ઘણા મોટા ઓપરેશન્સનું નેતૃત્વ કર્યું હતું. DGMOની જવાબદારી સંભાળતાં પહેલા તેઓ ચિનાર કોર્પ્સના GOC રહી ચૂક્યા છે. તેમણે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ સામેના ઘણા ઓપરેશન્સમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે.