Los Angeles, તા. 9
અમેરિકામાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ઇમીગ્રેશન પોલીસી સામે ફાટી નીકળેલા તોફાનમાં હવે નેશનલ ગાર્ડની તૈનાતી છતાં પણ જે રીતે તોફાનો સતત વધી રહ્યા છે તેનાથી તે અમેરિકાના અન્ય રાજયોમાં પણ ફેલાઇ તેવી ધારણા છે. લોસએન્જિલીસ અને તેની આસપાસના વિસ્તારોમાં તોફાનીઓ રોડ પરના વાહનો સળગાવાનું અને સરકારી ઇમારતોને પણ નુકસાન પહોંચાડવાનું પણ શરૂ કરી દીધુ છે.
ઇમીગ્રેશન સામે એક તરફ ટ્રમ્પ તંત્રની કામગીરી યથાવત રહી છે અને આ રાજયના ગર્વનરે પણ ટ્રમ્પની નીતિ સામે વિરોધ દર્શાવતા આગામી દિવસોમાં અન્ય રાજયોમાં પણ આ તોફાનો ફેલાઇ તેવી ધારણા છે. ગઇકાલે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લોકોને વિરોધ કરવામાં હિંસાનો ઉપયોગ ન કરવા ચેતવણી આપી હતી.
પરંતુ આજે નેશનલ ગાર્ડે અનેક મુખ્ય ફ્રી-વે બંધ કરી દીધા છે અને તોફાની શહેરની અંદરના માર્ગો પર આવીને રોડ પર પડેલી કાર અને અન્ય વાહનો સળગાવવાનું શરૂ કર્યુ હતું જેના કારણે સ્થાનિક પોલીસે ટીયરગેસ, રબ્બર બુલેટ અને ફલેશ બેંગનો ઉપયોગ શરૂ કર્યો છે.
આ વિસ્તારમાં રોજના 2000થી ગેરકાનુની રીતે રહેતા ઇમીગ્રેશનની ધરપકડ કરવામાં આવી રહી છે પરંતુ ટ્રમ્પે તે લક્ષ્યાંક વધારીને 3000નો કરવા આદેશ આપ્યો હતો. અહીં મુખ્યત્વે મેકસીકન લોકો ગેરકાનુની રીતે વસે છે અને અનેક ક્રિમીનલ ગેંગ સક્રિય છે.
ટ્રમ્પે આ તોફાન વચ્ચે પણ નેશનલ ગાર્ડની કામગીરીને વખાણી હતી અને સ્થિતિ પર નિયંત્રણ માટે ડયુટી મરીનને પણ હાઇએલર્ટ રાખવામાં આવ્યું છે અને એફબીઆઇના વડા કાશ પટેલે ચેતવણી આપી છે કે પોલીસ પર હુમલો કરવામાં આવશે તો તેને સીધુ જેલમાં ધકેલી દેવામાં આવશે.
2000 જેટલા નેશનલ ગાર્ડને પણ સતત તૈનાત રાખવામાં આવ્યા છે. પોલીસ પર પેટ્રોલ બોમ્બ ફેંકાયા બાદ ટ્રમ્પે નેશનલ ગાર્ડ તૈનાત કરવા આદેશ આપ્યો હતો.