New Delhi,તા.13
અમેરિકાએ ભારત પર લાદેલા 50% ટેરીફના તનાવ તથા અમેરિકા-પાકિસ્તાની વધતી જતી નજદીકીયા વચ્ચે હવે આગામી મહિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંભવિત અમેરિકા મુલાકાત અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ તેઓ ટેરિફ સહિતના મુદે વાટાઘાટ કરી શકે છે તેવા સંકેત મળતા વ્યાપાર-ઉદ્યોગ સહિતના ક્ષેત્રે આશાનો ચમકારો જોવા મળી રહ્યો છે.
મોદી તા.9 સપ્ટેમ્બરથી શરૂ થનારા સંયુક્ત રાષ્ટ્રસંઘના 80માં સત્રમાં ભાગ લેવા જઈ રહ્યા છે. જેમાં વૈશ્વિક રાષ્ટ્રોના વડાઓ તા.23થી29 ડિસેમ્બર ચાલશે. તા.26 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી સંબોધન કરી શકે છે અને મોદીના ન્યુયોર્ક રોકાણ સમયે અનેક વૈશ્વિક નેતાઓ પણ ન્યુયોર્કમાં મોજૂદ હશે.
જેમાં તમો અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પણ મળી શકે છે અને આ બેઠક બન્ને દેશો વચ્ચેના સંબંધોમાં નિર્ણાયક બની શકે છે. મોદી અગાઉ કેનેડામાં યોજાયેલી જી-7 દેશોની બેઠકમાં હાજરી આપવા પહોંચ્યા હતા પણ તે પુર્વે ટ્રમ્પ બેઠક અધુરી છોડી અમેરિકા પહોંચી ગયા હતા તો બાદમાં ટ્રમ્પે એક સંદેશમાં મોદીને કેનેડાથી સીધા અમેરિકા આવવા આમંત્રણ આપ્યુ હતું.
પરંતુ વડાપ્રધાને તેમના અન્ય પુર્વ નિર્ધારિત કાર્યક્રમોને આગળ ધરીને અમેરિકા પહોંચવાનું શકય નહી હોવાનું જણાવી દીધુ હતું. મોદી ફેબ્રુઆરીમાંજ વોશિંગ્ટન પ્રમુખ ટ્રમ્પની મુલાકાતે પહોંચ્યા હતા તે સમયથી જ ટ્રમ્પે ટેરીફ મુદે દબાણ- ભારતીય સેના ખરીદીમાં રશિયાને બદલે અમેરિકાને અગ્રતા આપે તેવી માંગણી કરી હતી.
મોદી તેમના ન્યુયોર્ક પ્રવાસે પહોંચે તે પુર્વે હવે તા.26થી અમેરિકાના વધારાના 25% ટેરીફ અમલી બને છે કે કેમ તે જોવું રસપ્રદ બની જશે. આ ઉપરાંત ટ્રમ્પ અને પુટીન તા.15 ઓગષ્ટના મળી રહ્યા છે.
રશિયન ક્રુડતેલ ખરીદી મુદે પણ ભારતનું વલણ નિશ્ચિત બની ગયું હશે અને મોદી-ટ્રમ્પ હવે ન્યુયોર્કમાં જ મળશે કે ટ્રમ્પ તેમને વોશિંગ્ટન બોલાવશે તેના પર પણ નજર છે.

