New Delhi,તા.09
આગામી તા.21ના રોજ યોજાનારી નીટ-અન્ડર ગ્રેજયુએટ પરિક્ષાના પેપર હવે લીક ના થાય તે માટે નેશનલ ટેસ્ટીંગ એજન્સી યુદ્ધ લડવા જેવી તૈયારી કરી રહી છે. એક તરફ અંતિમ પેપર કયું હશે. તે કોઈ પેપર સેટર નહી પણ આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સ નકકી કરશે.
તો બીજી બાજુ પુર્વ પેપરના વિવિધ વિભાગોના પ્રશ્નો તૈયાર કરનાર તમામ પેપર સેટરને જયાં સુધી પરીક્ષા પુરી થાય નહી ત્યાં સુધી તેઓને લોક એન્ડ વોચમાં રખાશે. હાલ તમામ પેપર સેટરને એક ખૂબજ ગુપ્ત સુરક્ષિત સ્થળ પર લઈ જવાયા છે.
જેમાંનું લોકેશન પણ તેમના કુટુંબીજનોને જાણ નથી એટલુ જ નહી એક વખત પેપર સેટ કરવાનું શરૂ કરાશે એટલે તેઓના તમામ સંપર્ક કાપી નખાશે. તમો મોબાઈલ કે ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકે નહી તે નિશ્ચિત કરાશે અને પરિક્ષા પુરી થયા બાદ જ બહાર કઢાશે.
આ પ્રકારે પ્રથમ વખત પેપર સેટ કરવા માટે અસાધારણ વ્યવસ્થા થઈ છે. ગત મહિને લેવાયેલી પરીક્ષાનું પેપર લીક થતા નેશનલ ટેસ્ટીંગ એજન્સી અને શિક્ષણ મંત્રાલયની આબરૂના ધજાગરા થયા હતા અને દેશભરમાં લાખો વિદ્યાર્થીઓને હવે ફરી પરિક્ષા આપવી પડશે.
આ માટે એટલી કાળજી રખાઈ છે કે સ્માર્ટ વોચ- સ્માર્ટ રિંગ જેવા ગેઝેટનો પણ ઉપયોગ કરી શકશે નહી. જો કે પ્રશ્ન પેપર સેટ થયા બાદ તેના પ્રિન્ટીંગ તેને દેશ-વિદેશના પરિક્ષા સેન્ટર સુધી પહોંચાડવા સુધીની પણ આવી જ ફુલપ્રુફ વ્યવસ્થા ગોઠવાઈ છે.
દેશના 551 અને વિદેશમાં 14 સેન્ટરો પર આ પરિક્ષા યોજાશે. આ માટે પુરી વ્યવસ્થામાં પેપર એરલીફટ કરાશે. અર્ધલશ્કરી દળના જવાનો તેની સુરક્ષા કરશે. 22 લાખ પેપર છાપવા માટે પણ પ્રિન્ટીંગ પ્રેસમાં કર્મચારી લોકડાઉનમાં રહેશે. ગેઝેટના ઉપયોગ કરી શકશે નહી તથા ખાસ કરીને સોશ્યલ મીડીયા પર નજર રખાશે.

