New Delhi,તા.૨
ન્યૂઝીલેન્ડના દિગ્ગજ બેટ્સમેન કેન વિલિયમસને અચાનક ્૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની ઘોષણા કરી દીધી છે. ૨૦૨૬માં ટી ૨૦ વર્લ્ડ કપનું આયોજન થવાનું છે અને તેના માત્ર ચાર મહિના પહેલા જ તેમનો આ નિર્ણય એકદમ આશ્ચર્યજનક છે. તેમણે પોતાના આ નિર્ણય દ્વારા પ્રશંસકોને મોટો આંચકો આપ્યો છે. વિલિયમસન ઘણા વર્ષોથી ટી ૨૦માં ન્યૂઝીલેન્ડના બેટિંગ ક્રમનો મહત્વનો હિસ્સો રહ્યા છે અને હવે ટીમમાં તેમની ખોટ ચોક્કસપણે વર્તાશે.
કેન વિલિયમસને ઓક્ટોબર ૨૦૧૧માં ન્યૂઝીલેન્ડ માટે ટી ૨૦ આંતરરાષ્ટ્રીયમાં ડેબ્યૂ કર્યું હતું. તે પછી તેઓ ટીમનો અભિન્ન અંગ બની ગયા અને ખૂબ રન બનાવ્યા. વિલિયમસને ટી ૨૦માં ન્યૂઝીલેન્ડની કપ્તાની પણ કરી છે અને તેમનો રેકોર્ડ ખૂબ જ શાનદાર રહ્યો છે. ૨૦૨૪ના ટી ૨૦ વર્લ્ડ કપમાં પાપુઆ ન્યૂ ગિનીમાં તેમણે છેલ્લી વખત ન્યૂઝીલેન્ડનું નેતૃત્વ કર્યું હતું. એવું માનવામાં આવતું હતું કે વિલિયમસન ફેબ્રુઆરી ૨૦૨૬થી શરૂ થનારા ટી ૨૦ વર્લ્ડ કપમાં ભાગ લેશે અને પછી સંન્યાસ લેશે. જોકે, તેમણે ટૂર્નામેન્ટથી માત્ર ચાર મહિના પહેલા જ ટી ૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું.
વિલિયમસને સંન્યાસ લેવાનું કારણ જણાવતા કહ્યું કે, “હું બધી યાદો અને અનુભવ માટે પોતાને ભાગ્યશાળી માનું છું. આ મારા અને ટીમ માટે યોગ્ય સમય છે. મારા આ નિવૃત્તિના નિર્ણયથી આગામી શ્રેણી અને ટી ૨૦ વર્લ્ડ કપ માટે ટીમને સ્પષ્ટતા મળશે.ટી ૨૦માં આપણી પાસે ઘણું ટેલેન્ટ છે અને હવે તેમને વર્લ્ડ કપ માટે તૈયાર કરવા જરૂરી છે. હવે આ ફોર્મેટમાં ટીમને આગળ વધારવાનો સમય છે અને હું તેમને સપોર્ટ કરતો રહીશ.”
કેન વિલિયમસને ન્યૂઝીલેન્ડ માટે ૯૩ ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાં ૨૫૭૫ રન બનાવ્યા છે. તેની સરેરાશ ૩૩.૪૪ છે અને તેનો સ્ટ્રાઇક રેટ ૧૨૩.૦૮ છે. તેણે ટી ૨૦ માં ૧૮ અડધી સદી ફટકારી છે, જેમાં તેનો સૌથી વધુ સ્કોર ૯૫ છે

