Jamnagar,તા.14
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ખાખરા ગામમાં રહેતા ખેડૂત સાવજુભા જાડેજાની વાડીમાં રહીને ખેતમજૂરી કામ કરતા વતની વિનોદભાઈ માનસિંગભાઈ વસુનિયાની પત્ની સોનલબેન (ઉંમર વર્ષ 25) એ પોતાની વાડીમાં ઝેરી દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેણીને સારવાર માટે ધ્રોલની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જયાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું છે.
સોનલબેનના માત્ર એક મહિના પહેલાં જ લગ્ન થયા હતા, અને તેણીને પોતાના માવતરે આંટો દેવા માટે જવું હતું, પરંતુ પતિએ હાલમાં મગફળીની સિઝન ચાલતી હોવાથી માવતરે જવાની ના પાડતાં માઠું લાગી આવ્યું હોવાથી તેણીએ આ પગલું ભરી લીધું હોવાનું પોલીસમાં જાહેર થયું છે.
મૃતકના પતિ વિનોદભાઈએ પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ બનાવના સ્થળે અને હોસ્પિટલે દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.

