Patna તા.14
બિહારમાં એનડીએ અને મહાગઠબંધનના સીધા જંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજયના મુખ્યમંત્રી નીતીશકુમારે જે રીતે ખભેખભા મિલાવીને પ્રચાર કર્યો અને ખાસ કરીને સુશાસનનો મંત્ર આગળ ધરી મહિલા મતદારો માટે ખાસ યોજનાઓ અને બિહારને વિકાસના નવા યુગમાં લઈ જવા જે પ્રચાર કર્યો હતો તે રંગ લાવ્યો છે.
જનતાદળ યુ અને ભાજપે 101-101 બેઠકો લડી હતી અને તેમાં છેલ્લી સરસાઈ મુજબ ભાજપે ગત વિધાનસભાની 74 બેઠકો સાથે બીજા નંબરના સૌથી મોટા પક્ષ તરીકે સ્થાન મેળવ્યુ હતું. પરંતુ આજે જાહેર થઈ રહેલા પરિણામોમાં ભાજપને 86 બેઠકો મળશે અને તે સૌથી મોટા પક્ષ તરીકે વિધાનસભામાં સ્થાન મેળવશે તે નિશ્ચિત છે.
જયારે ગત વિધાનસભામાં 43 બેઠકો મેળવીને પણ મુખ્યમંત્રી પદ મેળવનાર જનતાદળ યુ એ તેનું પ્રદર્શન સુધાર્યુ છે અને 101માંથી 76 બેઠકો પર સરસાઈ સ્થાપીત કરી છે. આમ 33 બેઠકો તેના ખાતામાં વધુ જાય તેવા સંકેત છે. જો કે આખરી ઘડી સુધી વધુ બેઠકો લડવા માટે ઝઝુમનાર અને ખુદને મોદીના હનુમાન તરીકે દર્શાવનાર કેન્દ્રીય મંત્રી ચીરાગ પાસવાનના પક્ષ લોકજનતાંત્રીક પાર્ટી એ 25 બેઠકો લડી હતી.
તેમાં છેલ્લા સમાચાર મુજબ 20 બેઠકો પર તેની સરસાઈ છે. આમ ગત વિધાનસભામાં ફકત એક બેઠક મેળવનાર અને લોકસભા ચુંટણીમાં પાંચ બેઠકો જીતનાર ચીરાગ પાસવાનનો દબદબો વધ્યો છે. જયારે ભાજપ કે જે પ્રારંભમાં જનતાદળ યુ કરતા ઓછી બેઠકો પર આગળ હતું તેને હવે ફરી એક વખત સરસાઈ મેળવી છે.બિહાર ચૂંટણીમાં લાલુ યાદવ કુટુંબને મોટો આંચકો લાગે તેવા સંકેત છે. રાજયમાં પોતાને મુખ્યમંત્રીપદના દાવેદાર ગણાવનાર તેજસ્વી યાદવ રાધોપુર બેઠક પર હારજીતની કશ્મકશ લડાઈમાં ફસાયા છે અને છેલ્લા સમાચાર મળ્યા ત્યારે તેઓ 1200થી વધુ મતે પાછળ છે અને ટુંકી સાંકળી સરસાઈથી ભાજપ આ બેઠક જીતી જાય તો આશ્ચર્ય થશે નહી.
બીજી તરફ લાલુપ્રસાદના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવ જેઓ પરિવારથી અલગ થઈને નવા પક્ષ સાથે ચુંટણી લડી રહ્યા છે તે હવે ડિપોઝીટ બચાવવાનો જંગ ખેલી રહ્યા છે.

