Rajkot,તા.23
‘માનસ સદભાવના’ વૈશ્વિક રામકથા અવસરે સદભાવના વૃદ્ધાશ્રમનો દેશમાં 151 કરોડ વૃક્ષો વાવવા અને ઉછેરવાનો મહાસંકલ્પ
મેટોડા, રાજકોટ સ્થિત ‘ONIX રિન્યુએબલ લિમિટેડ’ કંપનીના યુવા મેનેજીંગ ડિરેક્ટર દિવ્યેશભાઈ મનસુખભાઇ સાવલીયાને પર્યાવરણના જતન માટે કશુંક કરવાનો વિચાર આવ્યો અને તેમણે સદભાવના વૃદ્ધાશ્રમનો સંપર્ક સાધી સદભાવના વૃદ્ધાશ્રમ આયોજિત પૂ.મોરારીબાપુની વૈશ્વિક રામકથા નિમિત્તે ગુજરાતમાં એક લાખ વૃક્ષો વાવી અને જતન કરવાની ઘોષણા કરી છે. જેના ભાગરૂપે રાજકોટમાં ક્રિસ્ટલ મોલથી માંડીને ખીરસરા સુધી 5000 વૃક્ષોનું વાવેતર થઈ ચૂક્યું છે જેની જાળવણી હાલ કાર્યરત છે. દિવ્યેશભાઈના જણાવ્યા પ્રમાણે પ્રાથમિક તબક્કામાં અમદાવાદમાં 20 હજાર, વડોદરામાં 10 હજાર, જૂનાગઢમાં પાંચ હજાર, ભાવનગરમાં પાંચ હજાર, સોમનાથ-ધ્વારકા હાઈવે પર 25 હજાર, લખતર-વીરમગામ રોડ પર દસ હજાર,જામકંડોરણામાં 5000,નવાગામમાં 5,000,ધોરાજીમાં 5,000 વૃક્ષો વાવવાનો નિશ્ચય કર્યો છે. આમ ગુજરાતના શહેરી વિસ્તારમાં જયાં પ્રદૂષણ વધી રહયું છે ત્યાં વૃક્ષોનું હરિયાળું કવચ કરીને પર્યાવરણ સુધારવા ‘ONIX રીન્યુએબલ લિમિટેડ’ કંપનીએ કદમ ઉઠાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ‘ONIX રીન્યુએબલ લિમિટેડ’ના યુવા મેનજિંગ ડિરેકટર દિવ્યેશભાઈ મનસુખભાઈ સાવલિયાએ 14 વર્ષ પી.જી.વી.સી.એલમાં સેવા બજાવી બાદમાં પિતાજી સ્થાપિત ‘ONIX રીન્યુએબલ લિમિટેડ’ની ધૂરા સંભાળી કંપનીને સફળતાના શિખર પર પહોંચાડી છે તેમ કહેવામાં અતિરેક નહીં ગણાય. કંપની પાંચ મેગા વોટથી માંડી એક હજાર મેગા વોટના સોલાર પાર્ક બનાવે છે. આ ઉપરાંત ONIX સોલર પેનલનો નવો પ્લાન્ટ નાખવા જઇ રહી છે જેની વાર્ષિક ક્ષમતા 2.4 ગીગાવોટ થશે જે માર્ચ 2025માં પ્રોડક્શન ચાલુ થશે જેનાથી ONIX સૌરાષ્ટ્ર કચ્છમાં સોલર પેનલ બનાવતી સૌથી મોટી કંપની થઈ જશે.ONIX કંપની રોજગારી આપવામાં પણ અગ્રેસર છે જેના અંતર્ગત 900 થી વધુ કર્મચારીઓ કંપની સાથે કામ કરી રહ્યા છે અને ONIX પવનચકકીનું ઇન્સ્ટોલેશન અને મેન્ટેનન્સનું કામ પણ કરે છે અને ગ્રીન હાઈડ્રોજનનું પ્રોડકશન તથા ડીસ્ટ્રીબ્યુશન કરે છે. બેટરી મેન્યુફેકચરીંગ- સ્ટોરેજ અને ઈ-મોબીલીટીનું પ્રોડકશન પણ કરે છે. આગામી દિવસોમાં કંપનીનો આઈપીઓ આવી રહયો છે. અત્રે એ પણ નોંધનીય છે કે કંપનીએ પોતાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સુપ્રસિધ્ધ અભિનેતા ટાઈગર શ્રોફને કરારબધ્ધ કર્યા છે.
શાસ્ત્રોમાં અનેક પ્રકારના દાનનું મહત્વ દર્શાવવામાં આવ્યુ છે , રક્તદાન, અન્નદાન , વસ્ત્રદાન ,કન્યાદાન આ બધા દાનોમાં વૃક્ષના દાનને શ્રેષ્ઠ દાન ગણવામાં આવ્યું છે. ONIX કંપનીએ પણ આવું શ્રેષ્ઠ દાન કરવાનો નિર્ણય કરી વડીલો અને વૃક્ષોના શુભાર્થે સદભાવના વૃદ્ધાશ્રમના ઉપક્રમે રેસકોર્સ મેદાન ખાતે યોજાયેલી વિશ્વસંત પૂ. મોરારીબાપુની “માનસ સદભાવના કથા” અવસરે ગુજરાત અને સમગ્ર દેશને ગ્રીન કવચ આપવા રાજકોટના ONIX રિન્યુએબલ લિમિટેડ કંપની દ્વારા એક લાખ વૃક્ષો વાવવાનો મહાસંકલ્પ કરવામાં આવ્યો છે. જેમાં લીમડા, પીપળા, વડલા, કરંજ, અર્જુન, આસોપાલવ, સીરસ, શિશ, રેન્ટ્રી, પીલખન, કદમ, ટેબુબિયા, પેથોડિયા, બોરસલી જેવા વૃક્ષોનો સમાવેશ થાય છે.
પીપળો એ તો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પૃથ્વી પરનું જીવંત સ્વરૂપ છે. એટલે જ આપણે પીપળાની પ્રદક્ષીણા કરી , જળ સિંચન કરીયે ત્યારે બ્રહમાંડના રચયિતા બ્રહ્મા, બ્રહ્માંડનું રક્ષણ કરતા ભગવાન વિષ્ણુ અને વિનાશ કરતા મહેશ એમ ત્રણેય દેવતાઓની વંદના કરીયે છીએ. આ તો થઇ ધર્મ અને શાસ્ત્રની દ્રષ્ટિએ વૃક્ષોના માહાત્મ્યની વાત પરંતુ વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ વૃક્ષોનું મહત્વ એટલુંજ છે.જેમાં પીપળો એ વિશ્વના દશ વૃક્ષો પૈકીનું એવું વૃક્ષ છે જે 24 કલાક ઓક્સિજન આપે છે. આયુર્વેદની દ્રષ્ટિએ જોઈએ તો પીપળના મૂળથી માંડીને પાંદડા સુધીની શાખાઓ વિવિધ બીમારી, દર્દોની સારવારમાં ખુબ ઉપયોગી છે. કોરોનાકાળ જેવી મહામારીમાં આપણને સૌને ઓક્સિજનનું મહત્વ સમજાઈ ગયું છે.
જે વૃક્ષો વાવવામાં આવશે તેનું આયુષ્ય આશરે 200 વર્ષથી વધારે હશે. 3 વર્ષની અંદર આ રોપા ઘટાદાર બની લહેરાવા લાગશે . વૃક્ષો પર્યાવરણ સ્વચ્છ રાખે છે અને વરસાદ ખેંચી લાવે છે અને ઓક્સિજનનું સ્તર જાળવવામાં મદદ કરે છે સાથે જ લાખો પંખીઓને રહેવાનો આશરો પણ પુરો પાડે છે. વૃક્ષો તાપમાન ઘટાડવામાં બે રીતે ઉપયોગમાં આવે છે. એક તો વૃક્ષના પાંદડા દ્વારા પાણીનું બાષ્પીભવન થાય છે અને એ રીતે હવાને ઠંડી રાખે છે. બીજુ કારણ છે ઘટાટોપ વૃક્ષ હોવાને કારણે અનેક વિસ્તારોમાં છાંયડો તૈયાર થાય છે, જેને કારણે સીધો સૂર્યપ્રકાશ રસ્તા,મકાન કે વિસ્તારોને સ્પર્શી શકતો નથી. ભરબપોરે બાષ્પીભવનથી ગરમ થતી હવાનું તાપમાન અને જમીનની સરફેસ એમ બંને સ્તરે વૃક્ષો મદદગાર સાબીત થાય છે.
દિવ્યેશભાઈ સાવલિયા અને ‘ONIX રીન્યુએબલ કંપની’એ વૈશ્વિક રામકથા અવસરે કરેલી પર્યાવરણ સુધારણાની પહેલ જાણે કે પહેલું પગથિયું છે. અનેક ઉદ્યોગપતિઓ, બીલ્ડરો, સુખી સંપન્ન લોકો આ પ્રકારે વૃક્ષારોપણ અને ઉછેરની પ્રવૃતિને સ્પોન્સર કરવા આગળ આવી રહયા છે એટલે એમ કહી શકીએ કે આવતા દિવસોમાં પૂરો ભારત દેશ ગ્રીન કરવાનું સ્વપ્નું સાકાર થશે.
અત્રે સદભાવના વૃદ્ધાશ્રમની વૃક્ષારોપણની પ્રવૃત્તિની વિશેષ નોંધ લેવી પ્રાસંગિક ગણાશે સદભાવના વૃદ્ધાશ્રમનું ભારતને ગ્રીન બનાવવાનું મહત્વાકાંક્ષી સ્વપ્ન છે. અત્યાર સુધી સમગ્ર ગુજરાતમાં 30 લાખ વૃક્ષોનું વાવેતર અને જતન પણ થયું છે. આગામી વર્ષોમાં સમગ્ર સમગ્ર ભારતમાં 151 કરોડ વૃક્ષો વાવવામાં આવશે અને તેનો ઉછેર પણ કરવામાં આવશે. ગુગલ મેપમાંથી કોઈ વિદેશમાંથી પણ જુએ તો તેને ભારત લીલુંછમ (ગ્રીન ગુજરાત) દેખાય એ સદભાવના વૃદ્ધાશ્રમનું સાત્વિક સ્વપ્ન છે. સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા ખૂબ ટૂંકા સમયમાં 30,00,000 વૃક્ષો વિનામૂલ્યે પીજરા સાથે વાવી તેનું જતન કરવામાં આવ્યું છે, મિયાવાકી જંગલ સ્વરૂપે કરાયું છે. વૃક્ષો વાવીને ભગીરથ કાર્ય કર્યું છે. વૃક્ષો વાવવા સહેલા છે. પણ તેની માવજત કરવી અઘરી છે. જયારે આ સંસ્થા દ્વારા વૃક્ષોના વાવેતર સાથે તેને પિંજરાથી રક્ષણ આપવામાં આવે છે અને સાથે જાહેર સ્થળોએ વાવેલા વૃક્ષોને પાણી પીવડાવવા સહિતની કામગીરી કરીને તેના ઉછેરની સંપૂર્ણ જવાબદારી નિભાવવામાં આવે છે.
સદભાવના વૃધ્ધાશ્રમનું ‘ધ ગ્રીન મેન’ તરીકે જાણીતા વિજયભાઈ ડોબરીયા સફળ રીતે સુકાન સંભાળી રહયા છે. તેઓએ વડીલોની અને પર્યાવરણની બંનેની સેવા કરવાના સંકલ્પ સાથે નાની એવી સંસ્થા શરૂ કરી હતી જે આજે ભગીરથ કાર્યોથી વટવૃક્ષ બનીને લોકપ્રિય બની છે. વિજયભાઈ ડોબરીયાનાં માર્ગદર્શન હેઠળ સદભાવના વૃધ્ધાશ્રમની ટીમ વૃક્ષારોપણની કામગીરી પુરજોશમાં કરી રહી છે. સંસ્થા હાલ 450 ટ્રેકટર, 450 ટેન્કર વડે વૃક્ષોને નિયમીત રીતે પાણી પીવડાવી 1600 લોકોનો પગારદાર સ્ટાફ દ્વારા સંસ્થા આ અભિયાન ચલાવી રહી છે. આ અભિયાન પાછળ અંદાજીત બાવન કરોડથી પણ વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. જે માટે રાજય સરકારે ‘ધ ગ્રીન મેન’ વિજયભાઈ ડોબરીયાનું ‘વન પંડીત’ એવૉર્ડથી સન્માન પણ કર્યુ હતું. ગુજરાતનાં જુદા જુદા રાજ્યોમાં અનેક રસ્તાઓ પર વૃક્ષારોપણ કરીને રળીયામણા કરવામાં આવ્યા બાદ હવે સદભાવના વૃધ્ધાશ્રમ તરફથી રાજકોટને જોડતા હાઈ-વે પર વૃક્ષારોપણનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.