Ahmedabad,તા.12
અમદાવાદ એરપોર્ટ પર સર્જાયેલી વિમાની દુર્ઘટના બાદ દુર્ઘટના સ્થળથી માંડી હોસ્પિટલ સુધી સર્વત્ર અફડાતફડી અને અરાજકતાનો માહોલ સર્જાયો હતો. વિમાન ક્રેશ થયા બાદ આગની લપેટમાં આવી ગયું હતું અને દુર્ઘટના સ્થળે માત્ર કાટમાળ જ વધ્યો હોવાનું ચિત્ર ઉપસતું હતું. પ્લેન ક્રેશ થયા બાદ આકાશમાં જાણે કે ધુમાડાના વાદળો સર્જાયા હતા.
તાબડતોબ રાહત બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હોવા છતાં સળગતા વિમાનમાંથી પ્રવાસીઓ ક્રુ મેમ્બરોને બચાવવાનું અને બહાર કાઢવાનું પણ પડકારરૂપ બની ગયું હતું અને થોડો વખત માહોલ અરાજકતાભર્યો બની રહ્યો હતો.
સુરક્ષા સહિતના વિભાગો દ્વારા તાત્કાલીક પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવી વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી છતાં દુર્ઘટના સ્થળે વિમાનના કાટમાળ અને વેરાયેલા મૃતદેહો જ નજરે ચડતા હતા. વિમાન જયાં તૂટી પડયું એ રહેણાંક વિસ્તારમાં પણ ઇમારતોને પણ વ્યાપક નુકસાન હોવાના સંકેત છે.
અમદાવાદ એરપોર્ટ સંકુલની બહાર આવેલા મેઘાણીનગરના રહેણાંક વિસ્તારમાં એર ઇન્ડિયાનું વિમાન તૂટી પડયું હતું. આ દુર્ઘટનાના પગલે રહેણાંક ઇમારતનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
ઇમારતની અંદરના ભાગો પણ ધ્વસ્ત થયા હોય તે તસ્વીરમાં જોઇ શકાય છે. મેડીકલ કોલેજની હોસ્ટેલની આ ઇમારત હોવાનું બહાર આવ્યું છે જેમાં પણ કેટલાક વિદ્યાર્થીઓના મોત નિપજયા હોવાની આશંકા વ્યકત થઇ રહી છે.