Islamabad, તા.12
પાકિસ્તાનમાં 12 લોકોના ભોગ લેનારા આત્મઘાતી હુમલા બાદ પાક તથા અફઘાનીસ્તાન વચ્ચેનાં તનાવ સ્ફોટક બન્યો છે.પાકિસ્તાનનાં સંરક્ષણમંત્રી ખ્વાજા આસીફે દેશ `યુદ્ધની સ્થિતિમાં’ હોવાનું જાહેર કરીને અફઘાનીસ્તાનમાં ઘુસીને આતંકવાદીઓનો ખાત્મો કરવાની ચેતવણી આપી છે. ઉપરાંત અફઘાનીસ્તાનને મદદ કરવા પીઠબળ પુરૂ પાડવાનો ભારત પર પણ આરોપ મુકયો હતો.
પાકિસ્તાનનાં વડાપ્રધાન શેરબાઝ શરીફે પણ સરકારના સતાવાર એકાઉન્ટ પરથી એવુ ટવીટ કર્યુ હતું કે ઈસ્લામાબાદ આતંકવાદી હુમલો ભારતની મદદથી અફઘાનીસ્તાને કર્યો છે.
પાકિસ્તાનમાં મંગળવારે બે મોટા આત્મઘાતી (ફિદાયીન) હુમલા થતા દેશની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. પ્રથમ હુમલો રાજધાની ઇસ્લામાબાદમાં અને બીજો ખૈબર પખ્તુનખ્વાના વાનામાં સ્થિત આર્મી કેડેટ કોલેજ પર થયો હતો.
આ હુમલાઓ બાદ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે ખુલ્લેઆમ ચેતવણી આપી છે કે પાકિસ્તાની સેના હવે અફઘાનિસ્તાનની અંદર ઘૂસીને આતંકવાદીઓ પર હુમલો કરી શકે છે.
પાક. મંત્રી ખ્વાજા આસિફે આ હુમલાઓ માટે સીધો આરોપ અફઘાન તાલિબાન પર લગાવ્યો. તેમણે કહ્યું, “અફઘાન તાલિબાન દ્વારા આશ્રય મેળવતા લોકો અમારા પર વારંવાર હુમલા કરી રહ્યા છે.” તેમણે હુમલા બાદ અફઘાન શાસન દ્વારા વ્યક્ત કરવામાં આવેલા દુઃખને ફગાવી દેતા કહ્યું કે આવા શોક સંદેશાને “પ્રામાણિકતાનો પુરાવો માની શકાય નહીં.”
આસિફે આ મામલે બળજબરીથી ભારતને પણ ખેંચ્યું અને ભારત તથા અફઘાનિસ્તાનને કોઈપણ દુઃસાહસ સામે ચેતવણી આપતા કહ્યું કે પાકિસ્તાન “તેનો એ જ રીતે જવાબ આપશે.” તેમણે સ્પષ્ટ કહ્યું કે જો અફઘાન અધિકારીઓ તેમની ધરતી પરથી હુમલો કરતા આતંકવાદીઓ પર લગામ લગાવવામાં નિષ્ફળ રહેશે તો પાકિસ્તાન જડબાતોડ જવાબ આપશે.

