Pakistani,તા.04
પાકિસ્તાનની જેલમાં ઘણા લાંબા સમયથી ગુજરાત સહિત દેશના અલગ અલગ રાજ્યના 181 જેટલા માછીમારો નર્કાગાર પરિસ્થિતિમાં જીવન જીવી રહ્યા છે અને તેઓને સવા વર્ષ પહેલા જ રીલીઝ કરવાનો આદેશ પાકિસ્તાની સુપ્રીમકોર્ટે આપ્યો હોવા છતા તેનું પાલન થતુ નહી હોવાનું જણાવી ગંભીર બીમારીઓનો ભોગ બની રહેલા સાગરપુત્રોએ પત્રના માધ્યમથી ભારત સરકારને એવી અપીલ કરી છે કે વહેલી તકે તેઓને છોડવામાં આવે તે જરૂરી છે.
ભારત માતા કી જય- લખીને પત્રની શરૂઆત કરવામાં આવી છે જેમાં ભારતીય માછીમારોની પાકિસ્તાન જેલમાં ત્રણ-ચાર વર્ષથી દુર્દશા-શીર્ષક હેઠળ સાગરપુત્રોએ પોતાની પીડા અને સમસ્યાઓને પત્રના માધ્યમથી વર્ણવી છે.જેમાં જણાવાયું છે કે દીવ, ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ તથા તામિલનાડુના માછીમારો મળી કુલ 181 માછીમારો રીલીઝ માટે તૈયાર છે.
આજથી 21 મહિના પહેલા પાકિસ્તાન સુપ્રીમકોર્ટે સજામાંથી મુકત કર્યા હતા. 15 મહિના પહેલા સુપ્રીમ કોર્ટે માછીમારોને રીલીઝ કરવાનો આદેશ આપ્યો હતો. એપ્રિલ-2024માં બીજી વખત રીલીઝ આદેશ આપ્યો હતો છતાં આખા વર્ષમાં એકપણ માછીમારને છોડવામાં આવ્યા નથી.
જેલમાંથી નીકળવાની ચિંતા અને પરિવારને મળવાની વ્યથામાં કેટલાક માનસિક- સમતુલન ખોઇ બેઠા છે. શારીરિક નબળાઈઓ જેવી કે શ્વાસની તકલીફ પ્રેશરની બીમારી, હૃદયની નબળાઇનો સામનો કરી રહ્યા છે. કેટલાક હૃદય હુમલાથી અને શ્વાસની તકલીફથી મૃત્યુ પામ્યા છે. બધા માછીમારો તણાવથી પીડાઇ રહ્યા છે અને તથા આત્મવિશ્વાસ ખોઇ બેઠા છે.
આ દુર્દશામાંથી બહાર કાઢવા જલ્દીથી કોઇ સામે આવશે. આપણી માતૃભૂમિ અને જન્મભૂમિને આ વર્ષમાં જોઈ શકીએ. જયહિન્દ, જયભારત..આ પ્રકારના શબ્દો સાથેનો પત્ર માછીમારો દ્વારા ગુજરાતમાં મોકલવામાં આવ્યો છે. ત્યારે આ મુદ્દે ભારત સરકાર વહેલીતકે નકકર કાર્યવાહી કરે તે જરૂરી બન્યુ છે.

