Rajkot તા.8
દેશભરમાં ઈન્ડિગો કંપની ખોરવાઈ ગયેલી હવાઈ સેવા હજુ ફરી પાછી રેગ્યુલર થવામાં વિલંબ થતા હવાઈ પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે. આજે સોમવારે પણ રાજકોટ એરપોર્ટમાં વધુ 4 ફલાઈટ કેન્સલ થતા લગ્નસરાની મૌસમમાં મુસાફરો હેરાન પરેશાન થઈ રહ્યા છે.
રાજકોટના ઈન્ટરનેશનલ એરપોર્ટમાં આજે ડેઈલી ચાર ફલાઈટ કેન્સલ થઈ હતી. જેમાં ઈન્ડિગોની બપોરે 12 કલાકની 6ઈ 155 રાજકોટ-ગોવા, બપોરે 15.55 કલાકની 6ઈ 6371 રાજકોટ-હૈદરાબાદ, સાંજની 17.55 કલાકની 6ઈ 5009, રાજકોટ-દિલ્હી અને 19.55 કલાકની 6ઈ 274 રાજકોટ-મુંબઈની ફલાઈટ કેન્સલ થતા પ્રવાસીઓ રઝળ્યા હતા. ઘણાએ રીફંડ તો ઘણા અમદાવાદ એરપોર્ટ જવા દોડયા હતા.
અમુક પ્રવાસીઓ મુંબઈ-દિલ્હી જવા ટ્રેનની તત્કાલ ટિકીટ ખરીદી હતી. આજે ઈન્ડીગોની 4 ફલાઈટ કેન્સલ રહેતા અનેક પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. રાજકોટના ઈન્ટરનેશનલ એરપોર્ટમાં ઈન્ડીગોની સેવામાં વિક્ષેપ પડતા એર ઈન્ડીયાની બે મુંબઈ, બે દિલ્હીની ફલાઈટ હાઉસફુલ ઉડી રહી છે. આજે તેમાં ટિકીટ મળી શકે તેવી સ્થિતિ નથી.
ઈન્ડીગોની આજે ડેઈલી 8 ફલાઈટમાંથી 4 ફલાઈટ કેન્સલ થતાં દેશ-વિદેશની કનેકટીંગ ફલાઈટવાળા અનેક પ્રવાસીઓની રૂટ કેન્સલ થઈ હતી. હવાઈ સેવાના વિક્ષેપથી હવાઈ પ્રવાસીઓની મુશ્કેલી આજે છઠ્ઠા દિવસે પણ યથાવત જોવા મળી હતી.

