Surendranagar , તા.9
સુરેન્દ્રનગર જિલ્લામાં પીએનજી ગેસ ધારકોએ એક સાથે 8 થી 10 હજાર જેટલું તગડું બીલ ભરવું પડે તેવી સ્થિતિ છે. બીલ વિતરણ અંગે ગુજરાત ગેસ કંપની અને કોન્ટ્રાક્ટર વચ્ચે મતભેદ થતાં આઠેક માસથી બીલ વિતરણ બંધ થઇ ગયું હતું, હવે આ તમામ બીલની રકમ એક સાથે ભરવાની આવી શકે છે.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ જિલ્લામાં 46,000 ગ્રામ્ય અને 27000 શહેરી ધારકો મળીને કુલ 73 હજાર પીએનજી ગેસ ધારકો છે. ગુજરાત ગેસ કંપનીએ દર બે મહિને નિયમિત રીતે ગ્રાહકોને બિલ પહોંચે તે માટે પ્રાઇવેટ એજન્સી ગણેશ કોમ્યુનિકેશનને કોન્ટ્રાક્ટ આપેલ હતો. સમયસર બિલ ના પહોંચે તો એજન્સીને કનેક્શન દીઠ રૂપિયા 1500 દૈનિકની પેનલ્ટી ફટકારવાની શરત કોન્ટ્રાક્ટમાં હતી.
ગણેશ કોમ્યુનિકેશને આ બિલ વિતરણની કામગીરી પેટા એજન્સીને આપી હતી. જેમાં ગમે તે કારણોસર ગ્રાહકોને સમયસર બિલો ન મળતા કંપનીએ 8 થી 10 લાખની પેનલ્ટી ફટકારેલ હતી. જેના કારણે કંપની અને મુખ્ય એજન્સી તથા પેટા એજન્સીઓ વચ્ચે મતભેદો સર્જાયા હતા.
પરિણામે છેલ્લા આઠ મહિનાથી અનેક પીએનજી ગેસ ધારકોને બિલ પહોંચાડવાની કામગીરી ઠપ થઈ ગઈ હતી. ચાર સાયકલોનું સામટું બીલ ગ્રાહકોને મળતા ગ્રાહકો માટે મોટી રકમ નું બિલ ભરવાનું આકરું બને તેવી શક્યતા છે. એક અંદાજ મુજબ પીએનજી ધારકોને 8 થી 10 હજારનું બિલ આપવામાં આવે તો નવાઇ નહીં.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત ગેસ કંપનીએ હાલ ગણેશ કોમ્યુનિકેશનનો કોન્ટ્રાક્ટ રદ કરીને સુરતની કંપનીને આપ્યો છે. અને સુરતની કંપનીએ પેટા એજન્સીમાં આપીને ચાર-પાંચ દિવસથી બિલ વિતરણની કામગીરી શરૂ કરેલ છે પરંતુ કંપની અને એજન્સીની ખેંચાખેંચમાં ગ્રાહકોને ભોગવવાનું આવશે તે નક્કી છે. દર બે મહિનાનો બિલનો નિયમ જીએસપીસીના પીએનજી ગેસ ધારકોને દર બે મહિને બિલ પહોંચાડવાનો નિયમ છે.
બે મહિનાનું બિલ અંદાજે 1600 થી 2000 આવતું હોય છે. તેથી ગ્રાહકોને ચાર મહિનાનું એક સામટું બિલ રૂપિયા 8 થી 10 હજારનું મળે તેવી શક્યતા નકારી શકાતી નથી, નબળી આર્થિક સ્થિતિ વાળા ગેસધારકો એક સાથે આટલું મોટું બિલ ભરી શકે તેમ ના હોવાથી ગ્રાહકોને હપ્તા કરી આપવા જોઇએ.

