New Delhi, તા.9
દેશમાં સોનાનો ઉપયોગ ઘટાડવા અને આયાત નિયંત્રીત થાય તે માટે સરકારે સોના અને ચાંદી પર વધારાની આયાત-જકાત લાદી છે તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશના લોકોને એક વર્ષ માટે સોનુ ખરીદવાનું મુલત્વી રાખવા અપીલ કરી છે.
સોનાની આયાત દેશના વિદેશી હુંડીયામણનો મોટો હિસ્સો વાપરી નાંખે છે તે વચ્ચે પણ સોનાની આયાત કે ઉપયોગ ન ઘટતા સરકાર હવે વધુ કોઈ મોટો નિર્ણય લેવા જઈ રહી છે. નાણા મંત્રાલયે સોના પર ધિરાણ કરનાર તમામ બેન્કો તથા નોન બેન્કીંગ ફાયનાન્સીયલ કંપનીઓને 2023થી અત્યાર સુધીમાં સોના સામે કેટલુ ધિરાણ આપ્યુ તે સહિતની માહિતી માંગી છે.
જેમાં બેન્કોએ પોતાના સોના ધિરાણની પુરી કુંડળી રજુ કરવાની રહેશે. એટલે કે બેંકોનું કુલ સોના ધિરાણ અને તેની સામે ગીરવે રખાયેલા સોનુ કેટલુ છે તે ઉપરાંત કેટલા લોકોએ સોના સામે ધિરાણ લીધુ છે તે માહિતી આપવા જણાવાયું છે.
ગત સપ્તાહમાં જ સરકારે આ અંગેનો એક પરિપત્ર બેન્કોને મોકલ્યો છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય ગોલ્ડ સપ્લાયર દ્વારા કયારે અને કેટલુ સોનુ આયાત કરાયુ તે પણ માહિતી મંગાઈ છે અને સરકારે તે માહિતી આપવા માટે ફકત 48 કલાકનો જ સમય આપ્યો છે એટલે કે ગઈકાલે સાંજ સુધીમાં તમામ બેન્કો અને નોનબેન્કીંગ ફાયનાન્સીયલ સર્વિસે આ માહિતી આપવી પડશે.
સરકારે ડયુટી વધાર્યા પછી મે માસમાં સોનાની આયાતમાં ઘટાડો નોંધાયો છે અને માનવામાં આવે છે કે હજુ દિવાળી સુધી આ ટ્રેન્ડ રહેશે. આ ઉપરાંત આયાતકાર બેન્કોએ જે સોનુ આંતરરાષ્ટ્રીય ચેનલ મારફત મંગાવ્યુ છે તેમાં જવેલર્સને કેટલુ ધિરાણ આપ્યુ છે અને સોનામાં કઈ રીતે ક્નસાઈન્મેન્ટની આવક-જાવક થઈ છે તે પણ માહિતી મંગાવી છે.
2025-26ના વર્ષમાં સોનાની આયાત 24 ટકા વધીને 71.9 બીલીયન ડોલરની થઈ હતી જે 721 ટન સોનુ આયાત થયુ હતું. જો કે અગાઉના વર્ષ કરતા તે ઓછું છે.

