૧૨ વર્ષ વિકાસના, વિશ્વાસના અને જનકલ્યાણના
મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે સ્ટાર્ટ-અપ ક્ષેત્રે સમગ્ર દેશમાં ગુજરાત અગ્રેસર
Rajkot, તા. ૯ઃ
‘‘૧૨ વર્ષ વિકાસના, વિશ્વાસના અને જનકલ્યાણના‘‘ આ ભવ્ય સફરના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરતું ગુજરાત આજે સ્ટાર્ટ-અપ અને ઇનોવેશનક્ષેત્રે દેશનું અગ્રેસર રાજ્ય બન્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ગતિશીલ નેતૃત્વમાં ટેકનોલોજીને પ્રોત્સાહન આપતી નીતિઓના પરિણામે રાજ્યના યુવાનો આજે નવા સંશોધનો કરી રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ક્યુબેશન સેન્ટર હેઠળ કાર્યરત રાજકોટની ઇન્ડેપ્રો ડાયનેમિક્સ સ્ટાર્ટ-અપે વૈશ્વિક સ્તરે ભારત, ગુજરાત અને Rajkotનું ગૌરવ વધાર્યું છે.
ભારત અને ફ્રાન્સ વચ્ચેના દ્વિ-પક્ષીય જોડાણના ભાગરૂપે આગામી ૧૪ થી ૧૬ જૂન, ૨૦૨૬ દરમિયાન ફ્રાન્સના નીસ શહેરમાં પ્રતિષ્ઠિત ભારત ઇનોવેટ્સ ૨૦૨૬ કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યું છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાનારા આ વૈશ્વિક મંચ પર દેશના સર્વશ્રેષ્ઠ ૧૦૦ દીર્ઘ-તકનીકી સ્ટાર્ટ-અપ્સ નું ગ્લોબલ પ્રેઝન્ટેશન કરવામાં આવશે. સમગ્ર દેશમાંથી મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં ગુજરાતમાંથી એકમાત્ર રાજકોટની આ ડ્રોન મોટર ઉત્પાદક સ્ટાર્ટઅપની પસંદગી ભારત સરકારના પ્રિન્સિપલ સાયન્ટિફિક એડવાઇઝર અને આઇ.આઇ.ટી.ની કોર કમિટી દ્વારા કરવામાં આવી છે.
રાજકોટના યુવા સાહસિકો દ્વારા નિર્મિત આ સ્વદેશી ડ્રોન મોટર્સ વૈશ્વિક બજારમાં ચીન, યુ.એસ.એ., રશિયા, સાઉથ કોરિયા, જર્મની જેવા દેશોની મોનોપોલીને મજબૂત ટક્કર આપશે. આ સ્ટાર્ટ અપ દ્વારા વિકસાવામાં આવેલા હમિંગબર્ડ, ફાલ્કન, ઇગલ અને કોન્ડર શ્રેણીની મોટર્સ કૃષિ, સુરક્ષા, ડિફેન્સ, ઇન્ડસ્ટ્રીયલ મોનિટરિંગ અને સ્માર્ટ સિટી જેવા ક્ષેત્રોમાં ઉપયોગી બની રહી છે. અન્ય દેશોની બનાવટના ડ્રોન મહત્તમ ૪૦-૪૫ મિનિટ સુધી હવામાં રહી શકે છે જ્યારે ભારતીય એન્જિનિયરોએ બનાવેલા ડ્રોન ૧ કલાક થી વધુ સમય માટે હવામાં રહી શકવા સક્ષમ છે.
સ્ટાર્ટઅપ ડ્રોન ટેકનેલોજીના અત્યંત મહત્વપૂર્ણ ક્ષેત્ર ગણાતા પ્રોપલ્ઝન સિસ્ટમ્સ અને હાઇ-પર્ફોર્મન્સ મોટર્સ નું રિસર્ચ અને ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે, જેમાં ૧૦૦ ગ્રામથી લઈને ૧૦૦ કિલોગ્રામ સુધીના ડ્રોન માટે ઉપયોગી એવી ૨૦ થી વધુ પ્રકારની મોટર્સનું નિર્માણ કરવામાં આવ્યું છે. ઇસરો, ડી.આર.ડી.ઓ.માં પણ પ્રોડક્ટ આપવામાં આવી છે.
આ પ્રસંગે સ્ટાર્ટઅપના સી.ઈ.ઓ. પરાગભાઈ જોબનપુત્રાએ જણાવ્યું હતું કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિની હાજરીમાં વૈશ્વિક રોકાણકારો સમક્ષ ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળવી, એ કોઈ સપનાથી ઓછી વાત નથી. રાજકોટની પ્રોડક્ટ ગ્લોબલ કક્ષાએ પહોંચી છે તેના પાછળ આખી એક ઇકોસિસ્ટમ કામ કરી રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્ટાર્ટ-અપ સેલએ અમને શરૂઆતથી જ પાયાની સુવિધાઓ, ઇન્ક્યુબેશન અને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું છે. આ સાથે જ, ગુજરાત સરકારની સ્ટાર્ટ-અપ ફ્રેન્ડલી નીતિઓના કારણે જ અમે સંશોધન ક્ષેત્રે આગળ વધી શક્યા છીએ. શૈક્ષણિક સંસ્થાઓ અને ઉદ્યોગો વચ્ચે આ જોડાણ જ મેક ઇન ઇન્ડિયાને સાચા અર્થમાં આગળ વધારે છે.
આ પ્રસંગે સ્ટાર્ટઅપના ચીફ ટેકનિકલ ઓફિસર જયદીપ વિરમગામા એ જણાવ્યું હતું કે, અત્યાર સુધી ડ્રોન ઇન્ડસ્ટ્રી મોટર્સ માટે મોટાભાગે ચીન પર નિર્ભર હતી, પરંતુ તેની વિશ્વસનીયતા પર હંમેશા પ્રશ્નાર્થ રહ્યો છે. અમે ૨૦ પ્રકારની મોટર્સ વિકસાવી છે, તે ગુણવત્તા અને ઉર્જા કાર્યક્ષમતાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય માપદંડો પર ખરી ઉતરી છે. અમારી પ્રોડક્ટ્સ ચાઇનીઝ ડ્રોન મોટર્સ કરતાં ૯૫ ટકા વધુ ભરોસાપાત્ર છે.સંરક્ષણ અને વ્યૂહાત્મક ક્ષેત્રોમાં ડેટા સિક્યોરિટી અને હાર્ડવેર આત્મનિર્ભરતા માટે આ મોટર્સ ગેમ-ચેન્જર સાબિત થશે.
ફ્રાન્સના વૈશ્વિક પ્લેટફોર્મથી અમારા સ્ટાર્ટ અપને આંતરરાષ્ટ્રીય સ્તરે ફંડિંગ મેળવવામાં, ટેકનોલોજી ટ્રાન્સફર કરવામાં અને યુરોપિયન બજારમાં પ્રવેશવા માટેની સીધી મદદ મળશે. અમારું લક્ષ્ય ભારતને ડ્રોન પ્રોપલ્ઝન સિસ્ટમ્સમાં ગ્લોબલ હબ બનાવવાનું છે, જેથી આપણે મોટર્સની આયાત ન કરવી પડે, અને બેસ્ટ ટેકનોલોજીની ભારતથી નિકાસ થાય. ફ્રાન્સ બાદ ૨૦૨૭માં તાઈવાન ખાતે યોજાનાર એક્ઝિબિશનમાં ભાગ લેવા માટે ભારત સરકાર દ્વારા અમને આમંત્રિત કરવામાં આવ્યા છે, જે અમારા માટે ગર્વની વાત છે, તેમ શ્રી જયદીપે ઉમેર્યું હતું આમ, ગુજરાત હવે પરંપરાગત વ્યવસાયો પૂરતુ સીમિત ન રહેતા, ઇનોવેશન અને આંત્રપ્રિન્યોરશીપનું મજબૂત કેન્દ્ર બની રહ્યું છે.

