Mumbai,તા.14
હાલમાં સાઉથ આફ્રિકાની ટીમ ભારતમાં છે અને બે મેચની ટેસ્ટ સીરીઝ રમવાની છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બે મેચની ટેસ્ટ સીરીઝની પહેલી મેચ 14 નવેમ્બરે કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે રમાશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપને ધ્યાનમાં રાખીને બંને ટીમો માટે આ સીરીઝ મહત્ત્વપૂર્ણ છે. ત્યારે કોલકાતા ટેસ્ટમાં, ટીમ ઇન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન કેએલ રાહુલ પાસે પણ તેની કારકિર્દીમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરવાની તક હશે. વર્ષ 2025માં અત્યાર સુધીમાં ટેસ્ટ ક્રિકેટમાં કેએલ રાહુલ જબરદસ્ત ફોર્મમાં જોવા મળ્યો છે. કેએલ રાહુલ આ વર્ષે ઓપનર તરીકે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ છે.કેએલ રાહુલે જયારે ટેસ્ટ ક્રિકેટમાં ટીમ માટે ઓપનિંગની જવાબદારી સંભાળી છે, તો તેનું ઘરેલું મેદાન પર અને વિદેશી જમીન પર પણ શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે. રાહુલે અત્યાર સુધીમાં 65 ટેસ્ટ મેચમાં 114 ઇનિંગ રમી છે, જેમાં 36.55ની સરેરાશથી 3985 રન બનાવ્યા છે. દરમિયાન, રાહુલે 11 સદી અને 20 અડધી સદી ફટકારી છે. એવામાં જો કેએલ રાહુલ કોલકાતા ટેસ્ટમાં સાઉથ આફ્રિકા સામે 15 રન બનાવવામાં સફળ થાય છે, તો તે તેના ટેસ્ટ કારકિર્દીમાં 4,000 રનનો આંકડો પાર કરી લેશે.આમ કરીને ભારતીય ક્રિકેટમાં આ સિદ્ધિ પ્રાપ્ત કરનાર કેએલ રાહુલ 18મો બેટ્સમેન બની શકે છે. 2025માં રાહુલના ટેસ્ટ ફોર્મ પર નજર કરીએ તો, તેણે આઠ ટેસ્ટ મેચોમાં 15 ઇનિંગ્સમાં 53.21ની પ્રભાવશાળી સરેરાશથી 745 રન બનાવ્યા છે, જેમાં ત્રણ સદી અને ત્રણ અડધી સદી સામેલ છે. એવામાં રાહુલ 2025ની છેલ્લી બે ટેસ્ટમાં આ ફોર્મ ચાલુ રાખવાનો પ્રયાસ કરશે.

