Mumbai તા.19
દેશનાં આર્થિક પાટનગર એવા મુંબઈની રફતાર અનરાધાર વરસાદને કારણે થંભી ગઈ છે આજે પણ મુશળધાર વરસાદ ચાલુ રહેવા સાથે ચોવીસ કલાકમાં 10 ઈંચ વરસાદ થયો હતો. અનેક ભાગોમાં કમરસમા પાણી વચ્ચે સર્વત્ર જળબંબાકારની હાલત હતી. વધુ ભારે વરસાદની આગાહી સાથે રેડએલર્ટજારી કરાયું હતું. લોકોને અનિવાર્યતા સિવાય બહાર નહિં જવા સલાહ અપાવામાં આવી હતી. શૈક્ષણીક સંસ્થાનોમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી.
મુંબઈ વેધશાળાનાં રીપોર્ટ મુજબ આજે સવારે પુરા થતા ચોવીસ કલાક દરમ્યાન શાંતાક્રુઝ ક્ષેત્રમાં 10 ઈંચ વરસાદ તથા કોલાબામાં સાડા આઠ ઈંચ વરસાદ નોંધાયો હતો આજે સવારે પણ ધોધમાર વરસાદ વરસવો ચાલુ રહ્યો હતો. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એમ કહ્યુ કે સોમવારે કેટલાંક ભાગોમાં માત્ર 6 થી 8 કલાકમાં જ સાત ઈંચ વરસાદ ખાબકી ગયો હતો.
અનરાધાર વરસાદનો સિલસિલો ચાલૂ રહેવાથી મહાનગરનાં મોટાભાગનાં વિસ્તારો-માર્ગો તળાવમાં ફેરવાઈ ગયાની હાલત થઈ હતી. વિક્રોલી, જુંહુ, ચેમ્બુર, બાંદ્રા, મહાલક્ષ્મી, દાદર, વર્લી, સાયન સહીતના ભાગોમાં ભારે વરસાદથી ઠેકઠેકાણે જળબંબાકારની હાલત હતી.
હવામાન વિભાગ દ્વારા આજે પણ અતિભારે વરસાદની આગાહી સાથે રેડએલર્ટની ઘોષણા કરવામાં આવી છે.લોકોને બિન જરૂરી ઘરની બહાર નહિં જવા માર્ગદર્શિકા જારી કરવામાં આવી હતી. જળબંબાકારની સ્થિતિમાં અનેક માર્ગો પર ટ્રાફીક મુશ્કેલ બન્યો હતો વિમાની સેવા પણ પ્રભાવીત થઈ હતી. રેલવે સેવાને પણ અસર થઈ હતી.
માયાનગરી મુંબઈની રફતાર વરસાદના કારણે થંભી ગઈ છે, જેના કારણે કોર્પોરેશનની શાળા અને કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. દેશની આર્થિક રાજધાનીના અનેક ભાગોમાં હજુય સતત વરસાદ વરસી રહ્યો છે. ક્યારેય ન રોકાતા મુંબઈના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, એટલું પાણી ભરાઈ ગયું છે કે, અનેક જગ્યાએ ગાડીઓ ફસાઈ ગઈ છે. મુંબઈની અંધેરી સબવેમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે, જેના કારણે અંધરી સબવે બંધ કરી દેવું પડ્યું.
આ સિવાય પાણી ભરાઈ જવાના કારણે ચેંબુરની એક હોસ્પિટલમાં દાખલ દર્દીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક લોકો પોતાના બીમાર પરિજનોને પીઠ પર તેડીને બીએમસી સંચાલિત માં હોસ્પિટલ સુધી પહોંચાડતા જોવા મળ્યા હતા.
મુંબઈમાં ખરાબ હવામાનના કારણે અનેક ફ્લાઇટ પ્રભાવિત થઈ છે. એરપોર્ટ સુધી જતા અનેક રસ્તા પર હજું પણ પાણી ભરાયેલા છે. જેના કારણે વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. ઈન્ડિગોના જણાવ્યા અનુસાર, વરસાદના કારણે અરાઇવલ અને ડિપાર્ચર બંનેમાં મોડું થઈ રહ્યું છે. ઈન્ડિગોએ યાત્રા કરનારા લોકોને વેબસાઇટના માધ્યમથી પોતાની ફ્લાઇટ પર નજર રાખવાની સલાહ આપી છે.
અધિકારીઓએ જણાવ્યું કે, ઠાણે જિલ્લામાં કલ્યાણના પહાડી વિસ્તારમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન થયું, જેના કારણે ચાર ઘરોને નુકસાન થયું છે. જોકે, કોઈ જાનહાનિ નોંધાઈ નથી. મંગળવારે શાળા-કાલેજ બંધ રાખવાની જાહેરાત કરી દીધી છે.
વળી, મુંબઈમાં હવામાન વિભાગ 17-21 ઓગસ્ટ સુધી ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે અને સંપૂર્ણ રીતે સાવધાન રહેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. નાંદેડ જિલ્લામાં સતત વરસાદના કારણે 200થી વધુ લોકો ફસાયા છે, જેના કારણે બચાવ કામગીરી માટે સેનાને બોલાવવી પડી હતી.

