Rajkot, તા. ર3
રાજયમાં એક તરફ જમીન મિલ્કતની જંત્રી વધારવાની તૈયારી થઇ ગઇ છે ત્યારે સ્વાભાવિક રીતે મહાપાલિકાની મિલ્કત વેરા વધે તેવી આગાહી ઘણા જાણકારો કરવા લાગ્યા છે. પરંતુ આગામી વર્ષના અંતમાં મહાપાલિકાની ચૂંટણી ગાજવા લાગવાની હોય, જંત્રી વધવા છતાં કમ સે કમ એક વર્ષ મિલ્કત વેરો નહીં વધે તેવું રાજકીય લોબીમાંથી જાણવા મળ્યું છે. માત્ર રાજકોટ નહીં પરંતુ જે જે મહાનગરમાં આવતા વર્ષના અંતે ચૂંટણી આવવાની છે ત્યારે લગભગ કોઇ કોર્પોરેશનમાં વેરો નહીં વધે તેમ સમજવામાં આવે છે.
પૂરા રાજયમાં હાલ નવી જંત્રી લાગુ કરવા તૈયારીઓ ચાલી રહી છે અને તેના સૂચિત દરો જાહેર કરાયા છે જે વર્તમાન દર કરતા બમણાંથી લઇને ચારથી પાંચ ગણા વધુ છે. વાંધા સૂચનો બાદ અંતિમ દર જાહેર થવાના છે. અત્યારથી બિલ્ડર સહિતનો વર્ગ ઉંચી જંત્રી સામે કકળાટ કરવા લાગ્યો છે.
રાજકોટ મહાપાલિકા દ્વારા એપ્રિલ 2018થી કાર્પેટ એરિયા બેઇઝ મિલ્કતવેરા આકારણીની પધ્ધતિ લાગુ કરાઇ છે જેથી જંત્રી દર વધારાની સીધી અસર મિલકત વેરા દર ઉપર આવે અને મિલ્કતવેરો પણ વધે. પરંતુ જંત્રી દર વધે તો પણ હાલના તબક્કે રાજકોટમાં મિલકત વેરા દર વધારવા માટે તૈયારીનો પણ વિચાર મૂકવામાં આવ્યો નથી. તેના બદલે મનપાની ટેકસની આવક વધે તેવા પ્રયાસો પર પૂરા વહીવટી તંત્રએ ધ્યાન કેન્દ્રીત કર્યુ છે.
ટેકસ વિભાગમાં ઘણા કલાર્કને વોર્ડ ઓફિસરની જવાબદારી અપાયા બાદ જગ્યામાં ખાડા પડયા છે. વેરા વસુલાત ચાલુ છે પરંતુ નવી આકારણી સહિતની કાર્યવાહી ધીમી ગતિએ ચાલી રહી છે. રાજકોટમાં કુલ મિલ્કતોની સંખ્યા 6.03 લાખથી વધુ છે.
આ વર્ષે વેરાની આવક ગત વર્ષથી વધુ આગળ ચાલી રહી છે. ચાલુ નાણાકીય વર્ષના અંતે કુલ આવક 400 કરોડને પાર કરવા ટેકસ વિભાગનો ઇરાદો છે. આવતા વર્ષે પણ વેરાનો ટાર્ગેટ લગભગ વધારી શકાય તેમ ન હોય, વધુને વધુ કરદાતાઓને ટેકસ ભરતા કરવા કવાયત ચાલી રહી છે. આ રીતે નિયમિત વેરો ભરતા કરદાતાઓની સંખ્યા વધે તેના પર કામ ચાલી રહ્યું છે.