પૂર્વે સામુ જોવા મુદ્દે ધોકા-પાઇપ વડે યુવાનને મારમાર્યો હતો, અન્ય શખ્સોને શંકાનો લાભ
Rajkotતા.૨૦
ગોંડલના મોટા દડવા ગામે સાત વર્ષ પૂર્વે સામુ જોવા મુદ્દે ધોકા-પાઇપ વડે હુમલો કરી માર મારવાના કેસમાં સંડોવાયેલા આરોપીને અદાલતે તકસીરવાન ઠેરવી પાંચ વર્ષની સજા અને રૂ.૨૦૦૦નો દંડ ફટકારતો હુકમ કર્યો છે. બાકીના આરોપીને શંકાનો લાભ આપી મુક્ત કરવામાં આવ્યા છે.આ કેસની હકીકત મુજબ ગોંડલના મોટા દડવા ગામે રહેતા ફરિયાદી અનિલભાઈ ભુપતભાઈ કુવાડીયા તા.૧૯/૯/૨૦૧૭ ના રોજ વાઘા ભગતની તિથિના જમણવારમાં કાર લઈને જમવા માટે ગયા હતા. ત્યારે વિશાલ વિભાભાઈ સોનારા, પ્રકાશ અને વિરાજ નામના ત્રણેય શખ્સોએ ‘‘તું અમારી સામે કાતરો કેમ મારે છે, અમારી સામે કોઈ જોઈ શકતું નથી’ તેમ કહી બીભત્સ ગાળો ભાંડી હતી. જે રકઝક દરમિયાન ત્યાંથી નિલેશ વિભા અને ભૂરો ઉર્ફે વિજય કારમાં તેમજ ઘનશ્યામ અને ડાયાભાઈ બાઇકમાં પસાર થતા તે પણ ત્યાં આવી ચડ્યા હતા.અનિલભાઈ કુવાડીયાએ ગાળો બોલવાની ના પાડતા વિશાલ સોનારા સહિતનાએ હુમલો કરી પાઇપ અને ધોકા વડે માર માર્યો હતો. અને ‘‘તું કોઈને ફરિયાદ કરતો નહીં નહિતર જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. જે અંગે અનિલભાઈ કુકડીયાએ હુમલાખોર શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં આરોપી સામે પૂરતા પુરાવા મળતા તપાસ અધિકારી દ્વારા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું. ચાર્જશીટ બાદ કેસ ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજુઆત બાદ સરકાર પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો, રજૂ રાખેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ, તમામ સાહેદો અને ફરિયાદીની જુબાની તેમજ મેડિકલ પુરાવા ધ્યાને લઇ ડિસ્ટ્રીકટ જજ વી.બી. ગોહિલે આરોપી વિશાલ સોનારાને આઈપીસી કલમ ૩૨૫ હેઠળ પાંચ વર્ષની સજા અને રૂ.૨૦૦૦ નો દંડ, આઇપીસી કલમ ૩૨૪ હેઠળ ૩ વર્ષની સજા અને રૂ.૨૦૦૦નો દંડ અને જીપીએક્ટ કલમ ૧૩૫ હેઠળ એક વર્ષની સજા અને રૂ.૧૦૦નો દંડ ફટકારી બધી જ સજા એક સાથે ભોગવવા હુકમ કર્યો છે. અન્ય આરોપીને શંકાનો લાભ આપી મુક્ત કરવામાં આવ્યા છે. આ કેસમાં સરકાર પક્ષે બીનલબેન અશોકભાઈ રવેશીયા રોકાયેલા હતા.