બે વર્ષમાં ૬૦૦થી વધુ વાહન ચાલકોએ ઈ-મેમો ન ભરતા નોટિસ ફટકારવામાં આવશે
૩ વર્ષમાં અકસ્માત સહિતના ગુનામા ૨૪૫ લાઇસન્સ સસ્પેન્ડ કર્યા, ટ્રાફિકનો ભંગ કરનાર વાહનચાલકોને ઈ-ચલણથી દંડ
Rajkot તા.૨૩
શહેરમાં વધતા જતા વાહનોને લીધે ટ્રાફિક સમસ્યા વિકરાળ બનતી જતી હોવાથી શહેર પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થાને શુદ્રઢ બનાવવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવે છે તેમ છતાં વાહન ચાલકો દ્વારા નિયમોનો ભંગ કરે છે. ત્યારે સીસીટીવી કમાન્ડ ની મદદથી વાહન ચાલકોને ઈ મેમો ફટકારવામાં આવે છે પરંતુ વાહનચાલકો તે મેમો ભરતા નથી અથવા અવગણે છે. છેલ્લા ૨ વર્ષમાં ૬૦૯ જેટલા વાહનચાલકોને ૪થી વધુ ઈ-ચલણ ફટકારવામાં આવ્યા છતાં ચલણ નહીં ભરતા હવે વાહનચાલકોના ડ્રાઈવિંગ લાઇસન્સ સસ્પેન્ડ કરવાની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ૬૦૯ વાહનચાલકો પૈકી ૨૨ને આરટીઓએ લાઇસન્સ સસ્પેન્ડ કરવા માટેની નોટિસ પણ ફટકારી છે. ૧૦ દિવસમાં આરટીઓમાં હાજર થવા જણાવાયું છે. છેલ્લા ૩ વર્ષમાં ડીંક એન્ડ ડ્રાઈવ, અકસ્માત સર્જનાર સહિતના ગુના સબબ ૨૪૫ વાહન ચાલકોના લાઈસન્સ સસ્પેન્ડ કરાયા છે.
શહેરમાં વર્ષ ૨૦૨૨ અને ૨૦૨૩ના ઈ-ચલણ પૈકી એનસી કેસ પોલીસ દ્વારા ટ્રાફિક કોર્ટમાં દાખલકરવામાં આવ્યા હતા અને કોર્ટ દ્વારા વાહન ડિટેન અને લાઇસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવા જણાવ્યું હતું. જેથી વાહનના માલિક અથવા તો અન્ય વ્યક્તિ- ડ્રાઈવર દ્વારા બેજવાબદાર બની વારંવાર ટ્રાફિક નિયમોનો ભંગ બદલ ૪ કે તેથી વધારે ઈ-ચલણ અપાયા હોય તેવા વાહનમાલિકોના લાઇસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી આરટીઓ દ્વારા કરાઈ રહી છે. જેમાં કુલ ૬૦૯ પૈકી ૨૨ને લાઇસન્સ સસ્પેન્ડ માટેની નોટિસ ફટકારીને ૧૦ દિવસમા રૂબરૂ હાજર રહેવા જણાવાયું છે અને દિન-૧૦માં હાજર નહીં રહેનારનું લાઇસન્સ એક તરફી નિર્ણય લઇ સસ્પેન્ડ કરી દેવામાં આવશે. હાલ ૨૨ વાહનમાલિકોએ ૧૬૦ ઈ-ચલન ન ભરતા કાર્યવાહી કરાઈ છે.