RAJKOT,તા.25
રાજકોટના સદભાવના વૃદ્ધાશ્રમની મુલાકાત લેતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી રાજ્યપાલશ્રીએ વૃદ્ધાશ્રમનું વ્યવસ્થાપન કરતી દીકરીઓને બિરદાવી
રાજકોટ ખાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે સદભાવના વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી હતી. જ્યાં ટ્રસ્ટી ધીરેન્દ્ર કાનાબાર અને પ્રતિનિધિ વિશાલ માંગુકિયાએ પુષ્પગુચ્છ દ્વારા રાજ્યપાલને આવકાર્યા હતા.રાજ્યપાલએ આશ્રમની કામગીરી અને વ્યવસ્થા નિહાળી નિવાસી વૃદ્ધો સાથે મુલાકાત કરી તેમના ખબર-અંતર પૂછ્યા હતા.
સદભાવના વૃદ્ધાશ્રમ ખાતે 101 વર્ષના નિવાસી વડીલ જીવીબેન પંડ્યા સાથે રાજ્યપાલએ સંવાદ કર્યો હતો. જેમાં જીવીબેને જણાવ્યું હતું કે, તેઓ ભાવનગરના વતની છે, અને પતિના ગુજરી ગયા બાદ સદભાવના આશ્રમ ખાતે નિવાસ કરતી તેમની વિધવા દિકરી તેમને આશ્રમ ખાતે લઇ આવી હતી. જીવીબેને રાજ્યપાલ સમક્ષ સદભાવના આશ્રમ ખાતે પારિવારિક વાતાવરણ અને હુંફ સાથે તમામ સુવિધાઓ મળતી હોવાનો સંતોષ વ્યક્ત કર્યો હતો. રાજ્યપાલએ આશ્રમ ખાતે વ્યવસ્થાપન સંભાળતા દીકરીઓને તેમજ વડીલોને શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા. વડીલોએ રાજ્યપાલને ગૌ-માતાની પ્રતિકૃતિ ભેટ કરી હતી.
આ મુલાકાત વેળાએ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી, ડેપ્યુટી કલેક્ટર દિલીપસિંહ વાળા, પ્રાંત અધિકારી વિમલ ચક્રવર્તી, મામલતદાર એસ.બી ઝાલા, કરુણા ફાઉન્ડેશનના પ્રતિકભાઇ સંઘાણી, સદભાવના વૃદ્ધાશ્રમના અન્ય ટ્રસ્ટીઓ અને કર્મચારીગણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.