૪૫ યુનિટના ૩૫૦૦ જેટલા તરવૈયાઓ સ્પર્ધામાં ભાગ લેશે,અંડર – ૧૪,૧૭,૧૯ કેટેગરીમાં સ્વિમિંગ, ડાઈવીંગની ૧૭ ઇવેન્ટ
રમત ગમત વિભાગ દ્વારા ફ્લેટ તેમજ હોસ્ટેલમાં રહેવાની સુવિધા,બસ સ્ટેસન , રેલ્વે સ્ટેસન પર હેલ્પ ડેસ્ક અને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા
Rajkot,તા.૨૩
રાજકોટના કોઠારીયા રોડ પર આવેલા સરદાર પટેલ સ્નાનાગર ખાતે આવતીકાલથી રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જેમાં ૩૫૦૦ જેટલા સ્પર્ધકો ભાગ લેવા જઈ રહ્યાનું જિલ્લા રમત ગમત વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.
રાજકોટ ખાતે સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા, સ્પોટ્ર્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને સ્વિમિંગ એસોસિએશન દ્વારા આયોજિત રાષ્ટ્રીય કક્ષાની અખિલ ભારતીય શાળાકીય સ્વીમીંગ સ્પર્ધામાં અંડર ૧૪, અંડર ૧૭ અને અંડર ૧૯ કેટેગરીમાં શાળા, કોલેજના વિદ્યાર્થીઓ સ્વિમિંગ તેમજ ડાઈવીંગની સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહ્યા છે.
રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધામાં જુદી જુદી ૧૭ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારતભરમાંથી વિવિધ રાજ્યોમાંથી તેમજ સીબીએસસી બોર્ડ, સ્ટેટ બોર્ડ, સ્કૂલ ગેમ્સ કેન્દ્રીય વિભાગના ૪૫ યુનિટના ૩૫૦૦ જેટલા છાત્રો સ્પર્ધકોનું આગમન રાજકોટ ખાતે શરૂ થઈ ચૂક્યું છે, આજ સાંજ સુધીમાં તમામ સ્પર્ધકો આવી પહોંચશે તેમ સ્પર્ધાના ઓર્ગૅનાઇઝેશન કમિટીના હેડ અને ડિસ્ટ્રિક્ટ સ્વિમિંગ કોચ ક્રિષ્ના બેને જણાવ્યું છે.
આ સ્પર્ધકોને રહેવા માટે હોસ્ટેલમાં તેમજ ફ્લેટમાં ઉતારાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વિમર્સના નાસ્તા, જમવાની વ્યવસ્થા તેમજ સ્નાનાગર ખાતે તેઓને લઈ જવા માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પણ કરવામાં આવેલી છે.
ટ્રાન્સપોર્ટેશન નોડલ અધિકારી શ્રી સુદીપના જણાવ્યા મુજબ ૨૦ જેટલી નાની મોટી બસો તેમજ મેનેજમેન્ટ સાથે જોડાયેલા મહેમાનો માટે કારની વ્યવસ્થા કરવામાં આવેલી છે. સાથોસાથ રેલ્વે તેમજ બસ સ્ટેશનેથી ૨૪ કલાક પીક-અપ વ્યવસ્થા તેમજ હેલ્પ ડેસ્ક પણ ઉભું કરવામાં આવ્યું છે.
સ્નાનાગર ખાતે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે તેમજ સ્પર્ધકોને આઈડી પાસ આપવાની કામગીરી હાલ ચાલી રહી છે. ખેલાડીઓ માટે અહી જ નાસ્તા તેમજ ભોજનની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
રાજકોટ સ્વીમીંગના શ્રી બંકિમ જોશીના જણાવ્યા મુજબ આવતીકાલથી શરુ થનારી સ્પર્ધામાં ઇલેક્ટ્રોનિક ટાઈમિંગ સીસ્ટમ દ્વારા લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. રાજકોટ ખાતે આ પૂર્વે અનેક સ્પર્ધાઓનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હોઈ આ સ્પર્ધામાં રેકોર્ડ બ્રેક સ્પર્ધકો ભાગ લેવા જઈ રહ્યા છે. આ સ્પર્ધામાં વિજેતા સ્પર્ધકોને ઇન્ટરનેશનલ શાળાકીય રમતમાં ભાગ લેવાની તેમજ વિવિધ એકેડમીમાં જોડવા પ્રાથમિકતા મળે છે.