ચેક મુજબની રકમ ૭ લાખ એક માસમાં ન ચૂકવે તો વધુ છ માસની સજા
Rajkotતા.૨૩
ધંધામાં રૂપિયાની જરૂરિયાત ઊભા થતા મહિલાએ સબંધના નાતે લીધેલા રૂ.૭ લાખની ચુકવણી માટે આપેલા બે ચેક આપ્યા હતા. જે બંને ચેક રીટર્ન થતા અદાલતે મહિલાને બંને ચેક રિટર્ન કેસમાં એક એક વર્ષની સજા અને બંને ચેક મુજબની રકમ એક માસમાં ન ચૂકવે તો વધુ છ માસની સજા નો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ ફરિયાદી સંજયભાઈ છગનભાઈ વાઘેલાએ નિમુબેન મનસુખભાઈ વાઘેલાને ધંધામાં પૈસાની જરૂરિયાત ઊભી થતા સબંધના નાતે રૂ.૭,૦૦,૦૦૦ હાથ ઉછીના આપ્યા હતા. જે રકમની ચુકવણી માટે નિમુબેન વાઘેલાએ રૂ.૩.૫૦ – રૂ.૩.૫૦ લાખના બે ચેક આવ્યા હતા જે બંને ચેક અપૂરતા ભંડોળના કારણે બેંકમાંથી પરત ફર્યા હતા. જે બંને ચેક પરત ફર્યાની સંજયભાઈ વાઘેલાએ નિમુબેન વાઘેલાને નોટિસ પાઠવી હતી જે નોટિસ બજી જવા છતાં રકમની ચુકવણી નહીં કરતા સંજયભાઈ વાઘેલાએ નિમુબેન મનસુખભાઈ વાઘેલા વિરુદ્ધ જુદી-જુદી ચેક રિટર્નની બે ફરિયાદ દાખલ કરી હતી. જે બંને કેસ અદાલતમાં ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજૂઆત બાદ ફરીયાદી પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલ અને રજૂ રાખેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓને ધ્યાને લઇ ન્યાયાધીશ વાય.બી. ગામીતે ચેક રીટર્નના જુદા જુદા બંને કેસમાં નિમુબેન મનસુખભાઈ વાઘેલાને તકસીરવાન ઠેરવી એક એક વર્ષની સાદી કેદની સજા અને બંને ચેક મુજબની રકમ એક માસમાં ન ચૂકવે તો વધુ છ માસની સજાનો હુકમ કર્યો છે.આ કેસમાં ફરિયાદી વતી રાજકોટના યુવા એડવોકેટ રણજીત બી. મકવાણા, જીગ્નેશ એમ. સભાડ, યોગેશ રાઠોડ, મદદનીશ અભય ચાવડા અને વિશાલ રોજાસરા રોકાયા હતા.