Rajkot ,તા.૯
Rajkot જિલ્લાના ગોંડલ તાલુકાના કેશવાળા-વાસાવડ રોડ પર કૌટુંબિક કંકાસ અને ગુસ્સામાં અંધ બનેલા સસરાના પાશવી કૃત્યની એક એવી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેણે સમગ્ર પંથકને ધ્રુજાવી દીધો છે. દીકરી અને જમાઈ વચ્ચે ચાલી રહેલા સંસારના વિવાદમાં સમાધાનના બહાને ઉશ્કેરાયેલા સસરાએ ફિલ્મી ઢબે મોટરસાયકલનો પીછો કરીને એક ભારેખમ પથ્થર ફેંક્યો હતો. કમનસીબે આ પથ્થર બાઈક પાછળ બેઠેલા ૧૩ વર્ષના નિર્દોષ બાળક નરેન્દ્રને માથાના ભાગે વાગતા તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે.
ઘટનાની મળતી વિગતો અનુસાર, મોટા દડવા ગામે રહેતા અજય સોલંકી અને તેની પત્ની ક્રિષ્ના વચ્ચે છેલ્લા કેટલાક સમયથી પારિવારિક ઝઘડો અને ભારે અણબનાવ ચાલતો હતો. આ દંપતી વચ્ચે ઘર સંસાર ફરી માંડવા અને સમાધાન કરાવવા મુદ્દે બંને પક્ષો (વેવાઈઓ) વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી ભારે તણાવ અને વિવાદ ચાલી રહ્યો હતો. આ દરમિયાન ભનાભાઈ સોલંકી પોતાના પરિવાર સાથે મોટરસાયકલ પર સવાર થઈને કેશવાળા-વાસાવડ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે કોઈને અંદાજ નહોતો કે કાળ પાછળ જ આવી રહ્યો છે.
જ્યારે ભનાભાઈનો પરિવાર બાઈક પર જઈ રહ્યો હતો, ત્યારે જમાઈ અજયના સસરા અરવિંદભાઈ માતાસૂરિયાએ આવેશમાં આવીને તમામ મર્યાદાઓ નેવે મૂકી દીધી હતી. હુમલાખોર અરવિંદભાઈએ પોતાના વેવાઈના બાઈકનો ફિલ્મી સ્ટાઈલમાં પીછો કર્યો હતો. બાઈક નજીક પહોંચતા જ અરવિંદે પોતાના વેવાઈ ભનાભાઈને જીવલેણ ઈજા પહોંચાડવાના ઈરાદે એક મોટો અને વજનદાર પથ્થર હવામાં ફેંક્યો હતો. પરંતુ કમનસીબે આ પથ્થર ભનાભાઈને વાગવાને બદલે બાઈક પર પાછળ બેઠેલા તેમના ૧૩ વર્ષના માસૂમ પુત્ર નરેન્દ્રને માથાના પાછળના ભાગે એકદમ જોરથી વાગ્યો હતો.
આ પથ્થર એટલી પ્રચંડ ગતિ અને જોરથી વાગ્યો હતો કે માસૂમ નરેન્દ્ર ક્ષણભરમાં જ લોહીલુહાણ થઈ ગયો હતો અને ચાલુ બાઈકે જ નીચે ઢળી પડ્યો હતો. રસ્તા વચ્ચે બનેલી આ ઘટનાને પગલે પરિવારમાં ભારે અફરાતફરી અને મરણચીસો ગુંજી ઉઠી હતી. ગંભીર રીતે ઘવાયેલા બાળકને તેના પિતા અને પરિવારજનો તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ દોડ્યા હતા. પરંતુ કમનસીબે હોસ્પિટલના દરવાજે પહોંચતા જ ફરજ પરના તબીબોએ બાળકને તપાસીને ‘બ્રોટ ડેડ’ (મૃત જાહેર) કર્યો હતો. મોટાઓ વચ્ચેના કૌટુંબિક ઝઘડામાં એક નિર્દોષ બાળકે પોતાનો જીવ ગુમાવતા સંધિયા અને સોલંકી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
આ લોહિયાળ અને હૃદયદ્રાવક હત્યાની ઘટનાની જાણ થતાં જ સુલતાનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ જે.એ. ખાચર સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ગોંડલ હોસ્પિટલ અને ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે તુરંત જ માસૂમ નરેન્દ્રના મૃતદેહને કબજે કરી પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો છે. આ સાથે જ પોલીસે મૃતક બાળકના પિતાની ફરિયાદના આધારે ઘાતકી હુમલાખોર સસરા અરવિંદ માતાસૂરિયા વિરૂદ્ધ કાયદાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડવા અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે.

