New Delhi,તા.31
અમેરીકાએ ભારત પર 25% ટેરીફ લાદયા છે તે મુદે આજે સંસદમાં પણ જબરો હંગામો શરૂ થઈ ગયો છે અને ખાસ કરીને વિપક્ષોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની દોસ્તી પર વ્યંગ કરવાનું શરૂ કર્યુ છે.
કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ પોતાના પ્રતિભાવમાં કહ્યું કે અમેરીકી રાષ્ટ્રપતિએ ટેરીફ પર જે કહ્યું તે બધાએ જોયું છે. વડાપ્રધાન દરેક દેશમાં જાય છે દોસ્ત બનાવે છે અને પછી દોસ્તીના બદલામાં આ જ મળે છે.
આજે તે પૂર્વે પ્રિયંકા ગાંધી સહિતના કોંગ્રેસ અને વિપક્ષે બિહારમાં જાતી જનગણના મુદે દેખાવો કર્યા હતા અને બાદમાં હવે સંસદમાં આ મુદે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જવાબ માગવાની રણનીતિ બનાવે છે.
બીજી તરફ લોકસભામાં વ્યાપાર મંત્રી પીયુષ ગોયલ સરકાર વતી કોઈ જવાબ આપે તેવા સંકેત છે. સુત્રોના જણાવ્યા મુજબ વિપક્ષો ખાસ કરીને વડાપ્રધાનના જવાબની માંગણી સાથે બન્ને ગૃહોનું કામકાજ ખોરવી શકે છે.
અમેરિકી ટેરીફ મુદે સંસદમાં ધમાલ: મુલત્વી
નવી દિલ્હી તા.31 : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર લાદેલા ટેરીફનો પડઘો આજે સંસદના બંને ગૃહોમાં પડયો હતો અને વિપક્ષોએ આ મુદે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો તથા ધાંધલ-ધમાલ બાદ લોકસભા અને રાજયસભાની કાર્યવાહી સ્થગીત થઈ હતી.
રાજયસભામાં બિહારમાં મતદાર યાદીનો મુદો પણ ઉઠયો હતો. આજે લોકસભામાં મણીપુરમાં રાષ્ટ્રપતિ શાસન લંબાવવાનો ખરડો પણ રજુ થયો છે.
પરંતુ બંને ગૃહોમાં ટેરીફ મુદો જ છવાઈ ગયો હતો અને વિપક્ષોએ જે રીતે અમેરિકાના રાષ્ટ્રપતિ ભારત પર ટેરિફ મુદે આરોપ લગાવી રહ્યા છે તેની સામે વિરોધ પણ દર્શાવાયો હતો.

