Rajkot,તા.06
શહેરના એસ્ટ્રોન ચોક નજીક આવેલ સાર્થક સ્કવેર બિલ્ડીંગમાંથી અલગ અલગ કેબલ અને લેપટોપ મળી રૂ. 54,500 ની મતા તસ્કર ઉઠાવી ગયાનો બનાવ એ ડિવિઝન પોલીસના ચોપડે નોંધાયો છે. મામલામાં પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે.
મામલામાં મૂળ ભાવનગરના વતની અને હાલ એસ્ટ્રોન ચોક નજીક સાર્થક સ્કર કોમર્શિયલ બિલ્ડીંગના પહેલા માળે રહેતા 26 વર્ષીય યુવક ભાવિકભાઈ રાકેશભાઈ ડોબરીયાએ એ ડિવિઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, સ્વરા બિલ્ડકોન કંપનીમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવું છું. ગઇ તા.27/05/2025 ના રાત્રીના નવ વાગ્યે હું મારી સાર્થક સ્કેવર બીલ્ડીંગમાં આવેલી ઓફીસનુ કામ પૂરૂ કરીને મારૂ બ્લુ કલરનું બેગ લઈ તે બેગમાં લેનોવો કંપનીનું બ્લુ કલરનું લેપટોપ જેની કિંમત રૂ. 35 હજાર લઈને તે જ બીલ્ડીંગ મા આવેલ પહેલા માળે રૂમ નં.101 મા આવી ગયેલ હતો. બાદમાં રાત્રે સાડા અગિયાર વાગ્યે રૂમના દરવાજાને આગડિયો મારીને છત ઉપર સુવા જતો રહેલ હતો.
બાદમાં બીજા દિવસે તા. 28/05/2025 ના સવાર ના આઠ વાગ્યે બીલ્ડીંગના પ્રથમ માળે આવેલ રૂમમાં જઈને અંદર જોતા તમામ સામાન વેરવિખેર હાલતમાં પડેલ હતા. બાદમાં લેપટોપ બેગ ચેક કરતા તેમાં રાખેલ મારૂ લેપટોપ મળી આવેલ નહિ. જે બાદ તુરત જ મે મારા શેઠ પીનાકભાઇ પોપટને ફોન કરેલ હતો પણ તેમનો ફોન રિસીવ નહિ થતાં કોન્ટ્રાકટર ધ્રુવીતભાઇ જીતેંદ્રભાઈ સરધારાને ફોન કરી બનાવની જાણ કરી હતી.
બાદમાં સાડા નવ વાગ્યાં આસપાસ કોન્ટ્રાકટર ધ્રુવીતભાઈ આવી જતાં તેમણે બિલ્ડીંગમાં તપાસ કરતા બીજા માળ ઉપર લોબીમાં રાખેલ આર. આર.કંપનીના કેબલના 2.5. એમ.એમ. 200 મીટરના નંગ 1 જેની કિંમત રૂ. 5 હજાર, આર.આર.કંપનીના 2.5. એમ.એમ. 90 મીટરના બોક્સ નંગ 4 ની કિંમત રૂ.11 હજાર, આર.આર.કંપનીના એમ.એમ. 200 મીટરના બોક્સ નંગ 1 જેની કીમત રૂ. 2300, આર. આર.કંપની એમ.એમ. 90 મીટરના બોકસ નંગ 1 જેની કીમત રૂ. 1200 એમ મળી કુલ રૂ. 19,500 ના વાયર મળી આવ્યા ન હતા. જેથી યુવકે લેપટોપ અને વાયર મળી કુલ રૂ. 54,500ની ચોરી અંગે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીઆઈ આર જી બારોટની ટીમોએ સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે.