Rajkot, તા.8
રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં મતદાર ખરાઇ કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે ડિસેમ્બરના અંતે આવી શકતી મહા પાલિકાઓની ચૂંટણી પાછી ઠેલાઇ છે. આથી રાજકોટ કોર્પો.ના પદાધિકારીઓની મુદ્દત 11 માર્ચે જ પૂરું થવાનું નિશ્ચિત બનતા હવે નવા નાણાંકીય વર્ષનું બજેટ પણ વર્તમાન ભાજપ શાસકોની ટીમ જ મંજૂર કરશે તે નક્કી બન્યું છે. આ કારણે આજથી જ એકાઉન્ટ શાખા દ્વારા 2026-27 ના અંદાજ પત્રની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
મહાનગરપાલિકાની વર્તમાન બોડીની મુદ્દત આગામી 11મી માર્ચના રોજ પૂર્ણ થઈ રહી છે. હાલ રાજ્યભરમાં મતદાર યાદી સુધારણા ઝુંબેશ ચાલી રહી છે. ચૂંટણી પંચ દ્વારા આખરી મતદાનયાદી 14 ફેબ્રુઆરી માસમાં પ્રસિદ્ધ કરવામાં આવનાર છે. જેના કારણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પાછી ઠેલાઈ અને કોર્પોરેશનમાં બે થી ત્રણ મહિના વહીવટદાર આવે તેવી શક્યતા છે.
જેને ધ્યાનમાં રાખીને કોર્પોરેશનનું બજેટ વર્તમાન બોડી જ મંજુર કરશે તે લગભગ ફાઈનલ મનાય રહ્યું છે. હિસાબી શાખા દ્વારા બજેટલક્ષી તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત અમુક મુદે શહેરી વિકાસ વિભાગ પાસે પણ માર્ગદર્શન માંગવામાં આવ્યું છે.
સામાન્ય રીતે જ્યારે બોર્ડની મુદ્દત પૂર્ણ થવાની હોય ત્યારે અંતિમ વર્ષે બજેટ આપવામાં આવતું નથી. નવા શાસકો બજેટ આપી શકે તે માટે અંતિમ વર્ષનું બજેટ નવી બોડી મંજૂર કરતી હોય છે. પરંતુ હાલ મતદાર યાદી સુધારણા કાર્યક્રમના કારણે ચૂંટણી બે મહિના પાછી ફેલાય રહી છે. વર્તમાન બોડીની મુદ્દત 11 માર્ચના રોજ પૂર્ણ થઈ રહી છે.
નિયમ મુજબ 20 ફેબ્રુઆરી સુધીમાં જનરલ બોર્ડમાં બજેટ મંજૂર કરી સરકારમાં મોકલી દેવું પડે છે. જો આવું ન થાય તો કમિશ્નરે દરખાસ્ત સ્વરૂપે રજુ કરેલું બજેટ ફાઈનલ મનાય છે. ચૂંટણી એપ્રિલ કે મે માસમાં યોજાશે તે લગભગ નિશ્ચિત મનાઈ રહ્યું છે.
હાલ હિસાબી શાખા દ્વારા આજથી બજેટની પ્રાથમિક તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તમામ શાખાઓને નવા નાણાકીય વર્ષ દરમિયાન થનારા ખર્ચ અને આવકના આંકડાઓ આપવા માટેની પ્રાથમિક સુચના આપી દેવામાં આવી છે.
કમિશ્નર ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજુ કરવામાં આવશે. જેનો એક સપ્તાહ સુધી ઝીણવટભર્યો અભ્યાસ કર્યા બાદ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા બજેટને બહાલી આપવામાં આવે છે.
ત્યારબાદ જનરલ બોર્ડમાં બજેટને આખરી મંજૂરી મળે છે.અંદાજ પત્ર મંજૂર થયા બાદ આ વર્ષે માત્ર બે મહિના બાદ જ ચૂંટણી યોજવાની હોય બજેટમાં અનેક સારી યોજનાઓ મૂકવામાં આવે તેવી શક્યતા પણ જણાય રહી છે.
બીજી તરફ શહેરી વિકાસ વિભાગ પાસે કેટલું માર્ગદર્શન માંગવામાં આવ્યું છે. જેમાં વર્તમાન બોર્ડના સભ્યોના નામ રાજ્ય સરકારના ગેજેટમાં 7 માર્ચના રોજ પ્રસિદ્ધ થયા હતા. જ્યારે પ્રથમ બોર્ડ 12 માર્ચના રોજ મળ્યું હતું તો બોર્ડની મુદ્દત કઈ ગણવી તેને લઈને માર્ગદર્શન માંગ્યું છે. જોકે સામાન્ય રીતે જે દિવસે બોર્ડ મળ્યું હોય તે દિવસને જ પ્રથમ દિવસ માની પાંચ વર્ષની ગણતરી કરવામાં આવતી હોય છે.
ઉલ્લેખનીય છે કે, પાંચ વર્ષમાં અઢી-અઢી વર્ષના બે ચેરમેન આવે છે. પ્રથમ ટર્મના ચેરમેન ત્રણ બજેટ આપે છે. આ વખતે પ્રથમ વખત વર્તમાન સ્ટે.ચેરમેન જયમીન ઠાકર બીજી ટર્મમાં સળંગ ત્રીજું બજેટ મંજૂર કરશે. ચૂંટણી વર્ષમાં શાસકોને અનેક નવી આકર્ષક યોજનાઓ ઉમેરવાનો મોકો પણ મળી જશે.

