Veraval, તા.21
ગુજરાત-સૌરાષ્ટ્ર ઉપર મેઘરાજાની મહેર યથાવત રહી છે અને છેલ્લા 24 કલાક દરમ્યાન રાજયના 226 તાલુકાઓમાં 0॥થી માંડી 13.5 ઇંચ સુધીનો ધોધમાર વરસાદ વરસ્યો છે.
ખાસ કરીને સોરઠ, પોરબંદર, ભાવનગર, દ્વારકા, નવસારી, વલસાડ, સુરત અને તાપી જિલ્લામાં 4 થી માંડી 13.5 ઇંચ સુધીનો વરસાદ પડયો છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠા તરબોળ થયા છે.
ફલડ સેલમાંથી પ્રાપ્ત વધુ વિગતો મુજબ સોરઠનાં મેંદરડામાં 13.5 ઇંચ, કેશોદમાં 11.5 ઇંચ, વંથલીમાં 10.5 ઇંચ, પોરબંદર શહેરમાં 10.5 ઇંચ તથા નવસારીનાં ગણદેવીમાં 9.5, વલસાડનાં કપરડામાં 8.5, જુનાગઢનાં માણાવદરમાં સવા આઠ ઇંચ, નવસારીનાં ચિખલીમાં 8 ઇંચ, પોરબંદરનાં કુતિયાણામાં 7, રાણાવાવમાં 6.69 ઇંચ વરસાદ વરસ્યો હતો.
તથા તાપીના ડોલવાણમાં 6॥, નવસારી શહેરમાં 6, ગીર સોમનાથના તલાલામાં પોણા છ ઇંચ, જુનાગઢનાં માંગરોળમાં 5.5, ભાવનગરનાં મહુવામાં પ5.5 ઇંચ, જામનગરનાં કાલાવડમાં 5 ઇંચ, દ્વારકામાં 4.5 ઇંચ, અમરેલીના રાજુલમાં 4.25 ઇંચ, રાજકોટ શહેરમાં 2.5 ઇંચ, કોટડા સાંગાણીમાં 1 ઇંચ, પડધરીમાં 1 ઇંચ, મોરબીના ટંકારામાં 1 ઇંચ, કચ્છનાં ગાંધીધામમાં 1.5 વરસાદ વરસ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે હજુ પણ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં એક સાથે પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય હોય આજે દ્વારકા જિલ્લામાં અતિ ભારે અને રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, મોરબી અને કચ્છ જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન ખાતા એ કરી છે.
ભાવનગર
આજે પણ ભારે વરસાદની આગાહી છે. જોકે સવારે છ થી આઠ બે કલાક દરમિયાન સવારે તડકો નીકળ્યો હતો. મહુવા પંથકમાં વહેલી ગઈ રાતથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. મહુવામાં છેલ્લા 24 કલાક દરમિયાન સાત ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદથી સર્વત્ર જળબંબાકાર ની સ્થિતિ ઊભી થઈ છે. મહુવાની માલણ નદી બે કાંઠે વહેતી થઈ છે. ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે.
ભાવનગર જિલ્લામાં આજે સવારે 6 વાગ્યે પુરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન સુધીના વરસાદના આંકડા જોઈએ તો, વલ્લભીપુર – 2 મી.મી., ઉમરાળા -6 મી.મી., ભાવનગર 11 મિ.મી., ઘોઘા -44 મિમી, સિહોર -16 મિ.મી., ગારીયાધાર -111 મિ.મી., પાલીતાણા -50 મિ.મી., તળાજા 32 મિ.મી., મહુવા – 135 મિ.મી. તથા જેસર 67 મિમી વરસાદ વરસી ગયો હતો. આમ ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.
ભાવનગર જિલ્લા ના જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ચોમાસાની ચાલુ સિઝનમાં ચોથી વખત ઓવર ફ્લો થયો છે. ડેમ ના દરવાજા ખોલવામાં આવ્યા છે. જિલ્લા કલેકટર ડો. મનીષ બંસલ એ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને કારણે લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે. તેમજ શેત્રુંજી ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હોય પાલીતાણા અને તળાજા ના નીચાણવાળા ગામોને સાવચેત રહેવા જણાવ્યું છે.
ઉના ગીરગઢડા પંથકમાં મેઘ મલ્હાર
બંને તાલુકા માં સરેરાશ 3 ઇંચ થી વધુ વરસાદ જ્યારે ગીર જંગલ માં 24 કલાક માં 10 ઇંચ જેટલા વરસાદ થી નદી નાળા માં પાણી ફરી વળ્યા છે.
ઉના પંથક માં છેલ્લા 3 દિવસ થી મેઘરાજા હેત વરસાવી રહ્યા છે ત્યારે ઉના ગીર ગઢડા પંથક માં સરેરાશ 3 ઇંચ થી વધુ વરસાદ વરસતા ધરતી પુત્રો ના ચેહરા પર થી ચિંતા ના વાદળો દૂર થયા છે અને પાક માટે આશીર્વાદ સમાન વરસાદ વરસતા લોકો એ પણ રાહત નો શ્વાસ લીધો હતો.
બીજી તરફ તાલુકાના સનખડા, ગાંગડા અને ખત્રીવાડા માં પણ વ્યાપક 4 ઇંચ જેટલો વરસાદ વરસતા ખત્રીવાડા ગામ માંથી પસાર થતી રૂપેણ નદીમાં પાણીનો પ્રવાહ વધતા ગામ બે ભાગ માં વહેચાય ગયેલ અને લોકો પણ પાણી જોવા ઉમટી પડ્યા હતા.
તે સીવાય તાલુકાના મોટાભાગ ના ગ્રામ્ય વિસ્તારો માં પણ 2 થી 3 ઇંચ જેટલો વરસાદ વરસી ગયેલ તેમજ ગીર જંગલ વિસ્તારમાં 24 કલાક માં 10 ઇંચ વરસાદ વરસતા જંગલ નજીક આવેલ સુપ્રસિદ્ધ જમજીર ધોધ મા પાણી નો પ્રવાહ સતત વધતો જોવા મળેલ અને ખેતરો પણ જાણે કે નદી માં પરિવર્તિત થયા હોય તેમ નજર કરો ત્યાં પાણી પાણી જ જોવા મળતું હતું વ્યાપક વરસાદ ને પગલે આજે શહેર ની બજારો પણ સૂમસામ જોવા મળતી હતી જ્યારે ગીરગઢડા માં સવારે 2 કલાક માં 2 ઇંચ વરસાદ વરસી ગયો હતો.
સાવરકુંડલા
તારીખ 20 ઓગસ્ટ 2025 બુધવારના રોજ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વંડા પિયાવા પીઠવડી જેવા ગામોમાં મેઘરાજા મહેરબાન થયા હતા સારો વરસાદ પડતા ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે. બુધવારે સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને બપોર સુધીમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ સાવરકુંડલા તથા ગ્રામ્ય વિસ્તારમાં પડ્યો છે. છેલ્લા કેટલાક સમયથી વરસાદની રાહ જોવાતી હતી.
ત્યારે સૌરાષ્ટ્ર સહિત અમરેલી જિલ્લા અને સાવરકુંડલામાં વરસાદ પડી રહ્યો છે જેનાથી ખેડૂતો અને લોકો પણ ખુશખુશાલ થયા છે.મેઘરાજા મહેરબાન થયા હોય તેમ પ્રકૃતિ પણ ખીલી ઉઠી હતી.

